જૂની નોટો રાખી હશે તો ભરવો પડશે તોતિંગ દંડ, જાણો શું છે નવો કાયદો
નોટબંધી બાદ બેંકોએ જૂની નોટો સ્વીકારવાનું શરૂ કર્યું હતું. મોટા ભાગની જૂની રૂ. ૫૦૦ અને હજારની નોટો જમા થઇ ગઇ છે. તેમ છતા કેટલાક પાસે આ નોટો હોવાનું અનુમાન છે. જોકે હવે જે લોકો પાસે ૧૦થી વધુ જુની નોટો હશે અને ઝડપાશે તો તેઓને દંડ ફટકારવામાં આવી શકે છે. આ માટેનું બિલ શુક્રવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
જોકે આ બિલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આરબીઆઇની ભલામણ બાદ નોટબંધી જાહેર કરી હતી. જ્યારે આરબીઆઇના ગવર્નરે એમ કહ્યું હતું કે નોટબંધીનો નિર્ણય સરકારનો હતો, આરબીઆઇનો નહીં. આરબીઆઇએ માત્ર સરકારના કહેવાથી નિયમ અનુસાર ભલામણ કરી હતી.
નોંધનીય છે કે માર્કેટમાં આશરે ૧૫ લાખ કરોડ જેટલી જૂની રૂ. ૫૦૦ અને હજારની નોટો હતી, જે ૩૦મી ડિસેમ્બર સુધીમાં લગભગ જમા થઇ ગઇ હોવાનો અંદાજ છે. તેથી બહુ ઓછા લોકો પાસે જ હવે જુની નોટો પડી હશે.
આ બિલ અનુસાર જે લોકો પાસે ૧૦થી વધુ જની નોટો હશે તેઓને ઓછામાં ઓછા રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવી શકે છે. અથવા તો જેટલી રકમમાં જુની નોટો ઝડપાશે તેના પાંચગણો દંડ ફટકારવામાં આવશે.