PM મોદીએ ઈમરાન ખાનને ફોન કરી આપ્યા જીતના અભિનંદન, લોકતંત્રની મજબૂતી માટે વ્યક્ત કરી આશા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનને ફોન કરી જીતના અભિનંદન આપ્યા અને લોકતંત્રની મજબૂતીને લઈ આશા વ્યક્ત કરી. ઉપરાંત તેમણે શાંતિ અને વિકાસની આશા પણ વ્યક્ત કરી હતી. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ) પાકિસ્તાન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. પીટીઆઈને 270 સીટ પર થયેલી ચૂંટણીમાં 116 સીટ મળી છે અને સરકાર બનાવવા માટે તેણે વધુ 20 સભ્યોની જરૂર છે.
જ્યારે આ પહેલા પીટીઆઇના પ્રવક્તા નઇમુલ હકે શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, પાર્ટી પ્રમુખ ઇમરાન ખાન 14 ઓગસ્ટે વડાપ્રધાન પદના શપથ લેશે. જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીપીપી)ના 19માં સ્થાપના દિવસે આયોજીત એક રેલીમાં કહ્યું હતું કે હું PM મોદીને એક અપીલ કરું છું કે, પાકિસ્તાનની ચૂંટણી બાદ પાક.ના નવા વડાપ્રધાન ઇમરાન ખાન જો ભારત તરફ મિત્રતાની સંધિનો હાથ લંબાવે તો ભારતે તેનો સ્વિકાર કરવા જોઇએ.
ઇમરાન ખાન 11 ઓગસ્ટે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. ઇમરાન ખાને વધુમાં જણાવ્યું હતું કે, હું ખૈબર પખ્તુનખવાના મુખ્ય મંત્રી કોણ હશે તેનો પણ નિર્ણય કરી લીધો છે. આગામી 48 કલાકમાં તેની જાહેરાત કરીશ. આ બાબતે મેં જે નિર્ણય લીધો છે તે લોકોના હિતમાં છે. તેમની સરકાર પ્રાથમિક ધોરણે સિંધના અંતરિયાળ વિસ્તારોમાંથી ગરીબી હટાવવાનું કામ કરશે.