PNB કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસીના પાસપોર્ટ રદ: સૂત્ર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકની સાથે 11,300 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનારા હીરા કારોબરી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીના પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા સૂત્રોના હવાલાથી આ વાત જણાવવામાં આવી છે. આ પહેલા વિદેશ મંત્રાલયે બંનેના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા હતા.
નીરવ મોદી પર સતત ગાળિયો ભીંસવામાં આવી રહ્યો છે. શનિવારે ઈડીએ મનીલોન્ડ્રિંગ એક્ટ હેઠળ નીરવ મોદી ગ્રુપની 21 પ્રોપર્ટી સીલ કરી. જેમાં ફ્લેટ અને ફાર્મ હાઉસ સામેલ છે. આ પ્રોપર્ટીની કિંમત 523 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં નીરવ મોદી અને મહેલુ ચોકસી બંનેને નોટિસ મોકલીને પાસપોર્ટ કેમ રદ ન કરવામાં આવે તે પૂછવામાં આવ્યું હતું. બંનેને જલદી જવાબ આપવા પણ જણાવાયું હતું. મંત્રાલયે કહ્યું હતું કે જો જવાબ નહીં આવે તો તેમની પાસે કહેવા માટે કંઈ નથી તેમ માની લેવામાં આવશે. આ સ્થિતિમાં તેમના પાસપોર્ટ રદ થવાનું નક્કી થઈ ગયું હતું.
નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, ઈડી અને પાસપોર્ટ ઓથોરિટી એકબીજાથી વિપરીત કામ કરી રહ્યા છે. પાસપોર્ટ ઓથોરિટીએ શરૂઆતમાં પાસપોર્ટ સસ્પેન્ડ કર્યો અને બાદમાં તેને કેન્સલ કરી દીધો. આ બાજુ ઈડી ભારત આવવાનું કહી રહ્યું છે. જો તે વિદેશમાં હોય તો પરત કેવી રીતે આવી શકશે?