‘ચાણક્ય’ પ્રશાંત કિશોરને શોધનારને 5 લાખનું ઇનામ: કોંગ્રેસ ઑફિસની બહાર લાગ્યું પોસ્ટર
રાજેશે આગળ જણાવ્યું, “તે દરેક મીટિંગમાં મોટા નેતાઓને પણ બોલવા નહોતા દેતા. તેમના અનુભવોને પણ પ્રેફરન્સ નહોતા આપતા. જે રીતે તેઓ નેતાઓ સાથે દુર્વ્યવહાર કરતા હતા.અમે તેમને શોધીને લાવનારા માટે 5 લાખનું ઇનામ આપવાની વાત કરી છે.”
લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ ઑફિસની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેમાં પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને શોધી લાવનારને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુપી ચૂંટણી માટે પ્રશાંતે જ સ્ટ્રેટેજી બનાવી. પાર્ટીએ 105 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ, જીત ફક્ત 7 બેઠકો પર મળી.
પોસ્ટર વિશે કોંગ્રેસના પ્રવક્તા સત્યદેવ ત્રિપાઠીએ કહ્યું, “આ કાર્યકર્તાઓનો ગુસ્સો છે, કારણકે તેમણે મહેનત કરી છે. તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ, ગુસ્સો જાહેર કરવાની રીત ખોટી છે. આ આપણી સંસ્કૃતિ નથી. અમે તેમની સાથે વાત કરીશું કે તેઓ પોતાની વાત મીટિંગમાં કરે.”
આ પોસ્ટર કોંગ્રેસના સ્ટેટ સેક્રેટરી રાજેશ સિંહે જાહેર કર્યું છે. તેમાં પ્રશાંત કિશોરને ‘સ્વયંભૂ ચાણક્ય’ પણ કહેવામાં આવ્યા છે. સિંહના જણાવ્યા પ્રમાણે, “પીકેએ કાર્યકર્તાઓના સંમેલનમાં કહ્યું હતું કે હું 220 બેઠકો પર જીત અપાવીશ. તેનાથી ઓછી આવે તો મને પાગલ જાહેર કરી દેજો.” “તેના પછી ગઠબંધન થયું તો 105 બેઠકો માટે કહ્યું હતું કે એકપણ ઓછી હોય તો મને પાગલ જાહેર કરીને બહાર કાઢી મુકજો. પરંતુ, જ્યારથી તેમણે પાર્ટીની ઐતિહાસિક હાર કરાવી છે, ત્યારથી દેખાઇ રહ્યા નથી. આનાથી સારું પ્રદર્શન અમે લોકોએ 2012માં કર્યું હતું. અમારી 27 બેઠકો હતી અને વોટની ટકાવારી પણ વધી હતી. મોટી-મોટી વાતો કરનારા પ્રશાંત પોતાના પૈસા લઈને જતા રહ્યા.”