રાજસ્થાન ચૂંટણી: ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 5 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી અને પ્રકાશ જાવડેકર હાજર રહ્યા હતા. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં બેરોજગારોને પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિને બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો કર્યો છે. દરેક જિલ્લામાં યોગ ભવન બનાવવામાં આવશે. ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
રાજસ્થાનમાં ભાજપે ખેડૂતો માટે 250 કરોડનુ સ્ટાર્ટ અપ ફંડ, દરેક જિલ્લામાં યોગ ભવન બનાવવામાં આવશે. ખેડૂતો માટે લોનમાં રાહત આપવા ખાસ આયોગ બનાવવામાં આવશે. શિક્ષિત બેરોજગારોને 5 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. ભગવાન પરશુરામ બોર્ડની રચના કરવામાં આવશે. દર વર્ષે 30 હજાર સરકારી નોકરી અને કુલ 50 લાખ નોકરીઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતુ કે ભાજપ સરકારે રાજસ્થાનને બીમારૂ રાજ્યની કેટેગરીમાંથી બહાર કાઢ્યુ છે. કોંગ્રેસ બુધવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી સંભાવના છે. કોંગ્રેસે બેરોજગારોને ભથ્થું આપવાની જાહેરાત પહેલા જ કરી છે.