હાલમાં સરકાર 1000 રૂપિયાની નવી નોટ જારી નહીં કરે, 500ની નોટની સપ્લાઈ વધારવા પર ભારઃ શક્તિકાંત દાસ
નવી દિલ્હીઃ સરકારે નોટબંધી બાદ સતત 1000 રૂપિયાની નવી નોટને લઈને આવતા સમાચારને નકારી કાઢ્યા છે. બુધવારે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે ટ્વીટ કરીને જણાવ્યું, 1000 રૂપિયાની નવી નોટ લાવવાની સરકારની કોઈ યોજના નતી.
શક્તિકાંત દાસે ટ્વીટમાં લખ્યું, 1000 રૂપિયાની નોટ જારી કરવાની કોઈ યોજના નથી. અમારું સંપૂર્ણ ફોકસ 500 અને તેનાંથી નાની નોટોના પ્રોડક્શન અને તેના સપ્લાઈ પર છે.
ATMમાંથી રોકડ ન મળવાની સમસ્યા મુદ્દે શક્તિકાંત દાસે કહ્યું કે, આ સમસ્યાને સમાપ્ત કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દાસે લખ્યું કે, અમારી વિનંતી છે કે, જેટલા રૂપિયાની જરૂર હોય તેટલી જ રોકડનો ઉપાડ કરો. કેટલાક લોકો વધારે રોકડ ઉપાડે છે, જેના કારણે સમસ્યા વધારે ઘેરી બની રહી છે.
વિતેલા બે મહિનાથી સતત મીડિયા અહેવાલમાં કહેવામાં આવતું હતું કે, કેન્દ્ર સરકાર 1,000 રૂપિયાની નવી નોટો જારી કરવા પર વિચાર કરી રહી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર આ નોટો જાન્યુઆરીમાં જારી કરવાની હતી પરંતુ 500ની નોટની સપ્લાઈ પર ધ્યાન આપવાને કારણે તે ટાળવામાં આવી હતી.