સિદ્ધુ તો આમંત્રણથી પાકિસ્તાન ગયા છે, મોદી બોલાવ્યા વગર શરીફને ત્યાં પહોંચી ગયા હતા, જાણો ગુજરાત કોંગ્રેસના ક્યા નેતાએ કહ્યું આમ
ચાવડાએ એમ પણ કહ્યું કે, ભાજપના ભ્રષ્ટાચારને લઇને પણ ચર્ચા થઇ છે. જે અંગે જનતા વચ્ચે ખૂલાશો કરવાની પણ ચર્ચા થઇ હતી. બેઠકમાં જનતા વચ્ચે જવાનો કાર્યક્રમ પણ નક્કી થયો છે. લોકોના સવાલોને લઇને ગુજરાતમાં જનસંપર્ક અભિયાન પણ ચલાવવાનું ચર્ચાયું હતું. લોકોના પ્રશ્નોને જાણવા માટે ઘર ઘર સુધી જઇશું.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં મળેલી બેઠકામાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હતી. ગુજરાતની પ્રત્યેક 26 સીટો ઉપર માઇક્રો પ્લાનિંગ થઇ રહ્યું છે.
નવી દિલ્હીઃ 2019 લોકસભાની ચૂંટણીને લઈ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક બેઠક મળી હતી. જેમાં દેશના તમામ રાજ્યોના અધ્યક્ષ, પ્રભારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે મોદી પર નિશાન સાધતાં જણાવ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ સમારંભમાં ભાગ લેવા ગયેલા પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ પાકિસ્તાન આર્મી જનરલને ગળે મળ્યા હતા તેને ભાજપ કારણ વગર જ મુદ્દો બનાવી રહી છે. નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા છે. વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા.