2019માં ભાજપને કેટલી સીટ મળશે ? મોદી ફરી PM બનશે કે નહીં ? જાણો વિગત
નવી દિલ્હીઃ ગ્લોબલ ઇન્વેસ્ટર અને લેખક રુચિર શર્માએ લોકસભા ચૂંટણીને લઈ એક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની ફરી સત્તામાં આવવાની સંભાવના 50 ટકા જ છે. ‘ડેમોક્રેસી ઓન ધ રોડઃ એ 25 યર જર્ની થ્રૂ ઈન્ડિયા’નાં લેખક રૂચિર શર્માએ ભારતીય રાજનીતિ અને આગામી ચૂંટણીમાં હાર જીત અને લોકોના મૂડ અંગે એબીપી ન્યૂઝ સાથે વાત કરી હતી. રૂચિર અમેરિકામાં રહે છે અને તેમણે દિલ્હી, મુંબઈ તથા સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામ મંદિર પર શું તમે વિચારો છો? આ સવાલનો ઉત્તર આપતાં કહ્યું કે, ચૂંટણી પહેલા જો કોઈ મુદ્દો ઉઠાવે છે તો તેની અસર નથી થતી. રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણી પહેલા ઉઠાવવામાં આવ્યો છે તો તેની અસર પણ નહીં પડે. મતદારો પાંચ વર્ષના કામને જોઈ વોટ આપે છે, માત્ર ત્રણ મહિનાને નથી જોતા.
પ્રિયંકાની એન્ટ્રીથી ચૂંટણીમાં શું અસર પડશે? જવાબ આપતાં કહ્યું કે, જ્યારે સોનિયા ગાંધી રાજનીતિમાં સક્રિય થયા હતા ત્યારે એવી ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી પણ રાજનીતિમાં આવશે. પાર્ટીના અનેક નેતા પણ આમ ઈચ્છતા હતા. સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઘણા ગાજ્યો હતો. વિપક્ષો સીધા જ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા હતા. તે સમયે જો પ્રિયંકા ગાંધી આવ્યા હોત તો કોંગ્રેસ આજે વધારે મજબૂત હોત. પરંતુ આજે રાજનીતિ ઘણી બદલાઇ ગઈ છે. કોંગ્રેસ પાસે ઘણો ઓછો સમય છે. થોડા દિવસો બાદ ચૂંટણી યોજાશે. આ સ્થિતિમાં પ્રિયંકા ગાંધીને લાવવાથી કોઈ ખાસ અસર નહીં પડે. જો પ્રિયંકા ગાંધી ગઠબંધન તરફથી વારાણસીથી ચૂંટણી લડશે તો ઘણો પ્રભાવ પડશે. જ્યારે તમામ પક્ષો ગઠબંધનમાં આવે છે ત્યારે ઘણી સફળતા મળે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં શું થશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મોદી સત્તામાં આવશે કે નહીં તેની શક્યતા 50-50 ટકા છે. એક વર્ષ પહેલા જો તમે આ સવાલ પૂછ્યો હોત તો હું કહેત કે તેઓ બિલકુલ જીતી રહ્યા છે. ભારતનો એક રાજકીય ઈતિહાસ છે. અહીંયા એન્ટી ઇન્કમબેંસી જેવી એક ટર્મ હોય છે, જે ઘણું મહત્વ ધરાવે છે. મેં એક વર્ષ પહેલા પણ 50-50ની વાત કરી હતી, 90 ટકા મોદી જ ફરી વડાપ્રધાન બનશે તેમ કહેતા હતા. ગુજરાત, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ભાજપને નુકસાન થશે.
ભાજપને કેટલી સીટ મળશે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગત ચૂંટણીમાં તેમને 31 ટકા વોટ મળ્યા હતા અને તેમને 282 સીટ મળી હતી. આ પહેલા ક્યારેય ઇતિહાસમાં 31 ટકા વોટથી પૂર્ણ બહુમત મળી હોય તેવું બન્યું નહોતું. વિપક્ષો અલગ-અલગ હતા તેથી આમ થયું હતું. આ વખતે ગઠબંધન સાથે છે, આ સ્થિતિમાં ભાજપને સીટો ઓછી મળશે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને આવશે તેમ બધા માને છે. કેટલી સીટ આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ બધું 20-30 સીટ પર જ નિર્ભર રહેશે. અમે ફરી એક વખત લોકો વચ્ચે જઈશું અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું.
જો ભાજપને બહુમત નહીં મળે તો શું નરેન્દ્ર મોદી પીએમ બનશે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે, 200થી વધારે સીટ આવશે તો તેઓ વડાપ્રધાન જરૂર બનશે અને 200થી ઓછી આવશે તો અન્ય બનશે તેવી ચર્ચા દિલ્હીમાં ખૂબ થઇ રહી છે. આ અંગે હાલ મારો કોઈ અભિપ્રાય નથી. 2004માં લોકોને પૂછવામાં આવતું હતું કે કોણ વડાપ્રધાન હશે. તો કહેતા હતા કે વાજપેયી વડાપ્રધાન બનશે. તે સમયે વાજપેયીની ઘણી લોકપ્રિયતા હતી. સોનિયા ગાંધી એટલા લોકપ્રિય નહોતા. કોંગ્રેસને 100થી ઓછી સીટો મળે અને પ્રાદેશિક પક્ષો સારું પ્રદર્શન કરે તથા ભાજપને 200થી ઓછી સીટો મળે તો સ્થિતિ બદલાઇ જશે. પરંતુ વિપક્ષોનો એક જ હેતુ છે કે મોદી વડાપ્રધાન ન બનવા જોઈએ અને માહોલ પણ આવો જ બનતો જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -