યોગી આદિત્યનાથ ભેરવાયા, સુપ્રીમના આદેશના કારણે થઈ શકે કેસ, દોષિત ઠરશે તો ચૂંટણી નહીં લડી શકે, જાણો વિગત
બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે પણ તેમને રાહત આપી હતી. તેમની સામે કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની પણ માગ કરાઇ હતી.
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2007માં કોમી તોફાન થયા હતા ત્યારે યોગી આદિત્યનાથ સંસદ સભ્ય હતા. યોગી આદિત્યનાથ પર આરોપ હતો કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપતા બે લોકોના મોત થયા છે. આ મામલે અલ્લાહાબાદ કોર્ટે યોગી આદિત્યનાથને પહેલા રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હવે યૂપી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે યોગી પર કેમ કેસ ના ચલાવવામાં આવે?
હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરતાં યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. પરંતુ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય સરકારે એમ કહીને યોગીને આરોપી ગણવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમની સામે કોઇ સંગીન પુરાવા નથી.
યોગી આદિત્યનાથ સામે આઇપીસીની કલમ 302,307 અને 153 એ, 395 અને 295 હેઠળ તપાસ કરવા દાદ માગવામાં આવી હતી. બાદમાં આ કેસને CBIને ટ્રાન્સફર કરાયો હતો જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓડિયો ટેપમાં જે ઉશ્કેરણીજનક ભાષણનો અવાજ છે તે યોગી આદિત્યનાથનો જ છે. ફોરેન્સિક લેબમાં પણ એ વાત સાબીત થઇ હતી.
૨૭ જાન્યુઆરીના રોજ ગોરખપુરમાં તોફાનો ફાટી નીકળતાં યોગી ઉપરાંત તત્કાલિન ધારાસભ્ય રાધા મોહન દાસ અને ગોરખપુરના તત્કાલિન મેયર અંજુ ચૌધરી સામે તોફાનો ભડકાવવાનો કેસ થયો હતો. યોગી આદિત્યનાથની ધરપકડ કરવામાં આવી હતી અને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. 2008માં અસદ હયાત અને પરવેઝ નામના બે શખ્સોએ હાઇકોર્ટના ઓર્ડરને સુપ્રીમમાં પડકાર્યો હતો.