દિવાળી પર માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધઃ સુપ્રીમ કોર્ટે
સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇન્કાર કરતા કહ્યું છે કે, દિવાળીના સમયમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી અને ક્રિસમસ કે નવા વર્ષના દિવસે રાત્રે 11:45થી 12:45 સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફક્ત લાયસન્સ ધારક દુકાનદારો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ઓનલાઇન ફટાકડાનું વેચાણ પ્રતિબંધિત રહશે. જો કોઈ ઓનલાઇન વેચાણ કરશે તો તેના વિરુદ્ધ કોર્ટના અનાદરનો કેસ કરવામાં આવશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધને લઈને પોતાનો ચૂકાજો સંભળાવ્યો છે. દેશભરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને થયેલી એક અરજી પર સુનાવણી બાદ જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ અંગેનો ચુકાદો 28મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યુ, દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુરક્ષિત હોય એવા ફટાકડાનું નિર્માણ અને વેચાણ ચાલુ રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ મૂકી છે. સાથે કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમ ફક્ત દિવાળી માટે જ નહીં પરંતુ બધા તહેવારો માટે લાગૂ પડશે.