Heart Ultrasound Test: હાર્ટ ફેઈલ્યોર એક ગંભીર બીમારી છે, જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે હૃદય શરીરમાં લોહીને યોગ્ય રીતે પમ્પ કરી શકતું નથી. જો આ બીમારી છેલ્લા તબક્કામાં પહોંચી જાય તો તે જીવલેણ બની શકે છે. સૌથી મોટો પડકાર એ છે કે તેને સમયસર ઓળખવી સરળ નથી. ડોક્ટરો માટે મુખ્ય સમસ્યા એ છે કે ઘણા દર્દીઓમાં 'એડવાન્સ્ડ હાર્ટ ફેઈલ્યોર'ની જાણ મોડી થાય છે, જેના કારણે તેમને સમયસર સારવાર મળી શકતી નથી. હવે એક નવી રિસર્ચથી આશા જાગી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આ પરિસ્થિતિ બદલી શકે છે.

Continues below advertisement

અત્યારે કઈ ટેકનિકનો ઉપયોગ થાય છે?

આ અભ્યાસ વીલ કોર્નેલ મેડિસિન, કોર્નેલ ટેક, કોલંબિયા યુનિવર્સિટી અને ન્યૂયોર્ક-પ્રેસ્બિટેરિયનના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે, જે જર્નલ 'NPJ ડિજિટલ મેડિસિન'માં પ્રકાશિત થયો છે. હાલમાં એડવાન્સ્ડ હાર્ટ ફેઈલ્યોરની ઓળખ માટે ડોક્ટરો 'કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટિંગ' (CPET) નો સહારો લે છે. આ ટેસ્ટ હૃદય અને ફેફસાંની કામ કરવાની ક્ષમતા માપે છે, પરંતુ તેના માટે ખાસ સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફની જરૂર પડે છે, જે માત્ર મોટી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ હોય છે. આ કારણે ઘણા દર્દીઓ આ તપાસ કરાવી શકતા નથી.

રિસર્ચમાં શું જાણવા મળ્યું?

નવા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ એક એવી AI સિસ્ટમ તૈયાર કરી છે, જે હૃદયની અલ્ટ્રાસાઉન્ડ તપાસ (ઇકોકાર્ડિયોગ્રાફી) અને દર્દીના સામાન્ય મેડિકલ રેકોર્ડનું વિશ્લેષણ કરીને બીમારીની ગંભીરતાનો અંદાજ લગાવી શકે છે. ખાસ વાત એ છે કે આ ટેકનિક 'પીક VO2' જેવા મહત્વપૂર્ણ માપદંડોનું અનુમાન લગાવી શકે છે, જે અત્યાર સુધી માત્ર CPET દ્વારા જ માપી શકાતા હતા.

Continues below advertisement

1,000 હાર્ટ ફેઈલ્યોર દર્દીઓના ડેટાનો ઉપયોગ

આ સિસ્ટમ તૈયાર કરવા માટે અંદાજે 1,000 હાર્ટ ફેઈલ્યોરના દર્દીઓના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અલ્ટ્રાસાઉન્ડ વીડિયો, બ્લડ ફ્લો (લોહીનો પ્રવાહ) અને હાર્ટ વાલ્વની ગતિવિધિઓની જાણકારી સામેલ હતી. ત્યારબાદ 127 નવા દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં આ AI મોડેલે 85 ટકા સચોટતા સાથે હાઈ-રિસ્ક (વધારે જોખમ ધરાવતા) દર્દીઓની ઓળખ કરી. સંશોધકોનું કહેવું છે કે આ ટેકનિકનો રોજિંદી તબીબી જરૂરિયાતોમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે, કારણ કે તેમાં એ જ ડેટા વપરાય છે જે પહેલેથી ઉપલબ્ધ હોય છે. જોકે, વૈજ્ઞાનિકોએ એ પણ સ્વીકાર્યું છે કે આ ટેકનિકને મોટા પાયે લાગુ કરતા પહેલા હજુ વધુ પરીક્ષણોની જરૂર છે. AI સિસ્ટમની વિશ્વસનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ તેટલી જ મહત્વની છે.

ડિસ્ક્લેમર: આ માહિતી રિસર્ચ સ્ટડીઝ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન માનવો. કોઈપણ નવી પ્રવૃત્તિ કે કસરત અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.