AIIMS Obesity Report 2026: આજના સમયમાં યુવાનો માટે સ્વાસ્થ્ય કરતા દેખાવ વધુ મહત્વનો બની ગયો છે, અને આ ચિંતા હવે ગંભીર માનસિક સમસ્યાઓનું કારણ બની રહી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક તાજેતરના અભ્યાસમાં લાલબત્તી સમાન ખુલાસો થયો છે. રિપોર્ટ સૂચવે છે કે ભારતમાં વધતી જતી સ્થૂળતા (Obesity) માત્ર શારીરિક બીમારીઓ જ નોતરતી નથી, પરંતુ તે યુવાનોને માનસિક રીતે પણ બીમાર બનાવી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે માત્ર મેદસ્વી લોકો જ નહીં, પરંતુ જરૂર કરતા વધુ પાતળા લોકો પણ સતત તણાવ (Stress) અને ચિંતાનો શિકાર બની રહ્યા છે.

Continues below advertisement

શું છે 'બોડી ઈમેજ ડિસ્ટ્રેસ'? (Body Image Distress)

આ સંશોધનમાં એક નવો શબ્દ સામે આવ્યો છે - 'બોડી ઈમેજ ડિસ્ટ્રેસ'. આ કોઈ બીમારી નથી પણ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાના શરીરના દેખાવને લઈને સતત લઘુતાગ્રંથિ કે તણાવ અનુભવે છે. અભ્યાસના આંકડા ચોંકાવનારા છે. અંદાજે 49% જેટલા વધુ વજન ધરાવતા અને 47% જેટલા ઓછા વજન ધરાવતા યુવાનો પોતાના દેખાવને લઈને સતત ચિંતામાં રહે છે. મેદસ્વી યુવાનોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે, જ્યારે દુબળા-પાતળા યુવાનો એકલતા અને શરમ અનુભવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) મુજબ, ભારતમાં દર 4 માંથી 1 વ્યક્તિ સ્થૂળતાનો શિકાર છે. છેલ્લા 15 વર્ષમાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે ભારતની આરોગ્ય નીતિ ભલે સ્થૂળતા પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય, પરંતુ ઓછા વજનવાળા યુવાનોની માનસિક સમસ્યાઓ પણ એટલી જ ગંભીર છે.

Continues below advertisement

610 કિલોથી 63 કિલો સુધીની પ્રેરક સફર

નિરાશાના આ માહોલમાં સાઉદી અરેબિયાના ખાલિદ મોહસીન (Khalid Mohsin) ની કહાણી યુવાનો માટે દીવાદાંડી સમાન છે. એક સમયે ખાલિદનું વજન 610 કિલો હતું અને તેઓ વિશ્વના સૌથી ભારે માણસ તરીકે ઓળખાતા હતા. દ્રઢ મનોબળ સાથે તેમણે વજન ઘટાડ્યું અને આજે તેઓ માત્ર 63 કિલોના છે. મહત્વની વાત એ છે કે જ્યારે તેમનું વજન વધારે હતું ત્યારે પણ તેઓ ખુશ હતા અને આજે પણ ખુશ છે. આજના યુવાનોએ સમજવાની જરૂર છે કે વજન ઘટાડવું એ શરીરને સ્વસ્થ રાખવા માટે છે, માત્ર સમાજમાં સારા દેખાવા માટે નહીં. ખાલિદની જેમ ચહેરા પરનું સ્મિત અને મનની શાંતિ જાળવી રાખવી સૌથી વધુ જરૂરી છે.

સ્વામી રામદેવના અકસીર ઉપાયો (Weight Loss Tips by Swami Ramdev)

જો તમે પણ વજન ઘટાડીને સ્વસ્થ અને આકર્ષક શરીર મેળવવા માંગતા હોવ, તો યોગગુરુ સ્વામી રામદેવ (Swami Ramdev) દ્વારા સૂચવવામાં આવેલી આ આયુર્વેદિક ટિપ્સ અપનાવી શકો છો:

દિનચર્યા: દિવસની શરૂઆત નવશેકા લીંબુ પાણીથી કરો. આદુ અને લીંબુની ચા પણ ચરબી ઓગાળવામાં મદદરૂપ છે.

ખોરાક: ભોજન પહેલાં ભરપૂર સલાડ ખાવાની આદત પાડો. દૂધીનો રસ અને સૂપ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. રાત્રે કાર્બોહાઈડ્રેટ એટલે કે રોટલી કે ભાત ખાવાનું ટાળો અને સાંજે 7 વાગ્યા પહેલા ડિનર કરી લેવાનો આગ્રહ રાખો.

પાણી: જમ્યાના 1 કલાક પછી જ પાણી પીવું જોઈએ.

આયુર્વેદિક નુસખા: રાત્રે સૂતી વખતે 1 ચમચી ત્રિફળા પાવડર ગરમ પાણી સાથે લેવાથી પાચનતંત્ર સુધરે છે. આ ઉપરાંત, 3 થી 6 ગ્રામ તજ (Cinnamon) ને 200 ગ્રામ પાણીમાં ઉકાળી, તેમાં 1 ચમચી મધ ઉમેરીને પીવાથી સ્થૂળતા ઝડપથી ઘટે છે.