લગભગ દરેક ઋતુમાં મચ્છરોનો ત્રાસ રહે છે. ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ મચ્છર તમારો પીછો નથી છોડતા. એ પછી તમે ઘરના બારી બારણા સવાર- સાંજ બંધ રાખો કે લીમડાના પાનનો ધુમાડો કરો. જેના લીધે લોકો હવે બજારમાં મળતા વિવિધ ઉત્પાદનો તરફ વળ્યા છે. જેમાં હીટ ઓલઆઉટ, કે કોઈલ હોય. આ વિવિધ પ્રોડક્ટથી થોડા ઘણા અંશે મચ્છરોથી તમને રાહત મળી શકે છે. જો કે રાહત તો મળે પરંતુ તેનાથી નુકસાન વધુ થાય છે. એમાય ખાસ કરીને મચ્છર કોઈલથી. તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે એક કોઇલ 100 સિગારેટ જેટલી ખતરનાક છે અને તેમાંથી લગભગ 2.5 પીએમ ધુમાડો નીકળે છે જે ખૂબ વધારે છે.એટલે કે તે શરીર માટે હાનિકારક છે.


મચ્છર કોઇલથી થતા નુકસાન વિશે જણાવતા પહેલા સૌ પ્રથમ સમજી લો કે આ કોઈલ કેવી રીતે બને છે.


આ મચ્છર ભગાડનાર કોઈલમાં ડીડીટી, અન્ય કાર્બન ફોસ્ફરસ અને ખતરનાક તત્વો હોય છે. જ્યારે આ બધું બળે છે, ત્યારે તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ કે મચ્છરની કોઇલના ધુમાડાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.


કેન્સર


ઘણા અભ્યાસોમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે મચ્છર કોઇલને સતત સળગાવવાથી ઘરનું વાતાવરણ પ્રદૂષિત થાય છે. મચ્છર કોઇલના સતત સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે.


આંખની બળતરા


મચ્છરની કોઇલમાંથી નીકળતા ધુમાડાના સંપર્કમાં આવવાથી આંખોમાં બળતરા અને માથાનો દુખાવો થાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના ધુમાડાના સીધા સંપર્કમાં ક્યારેય આવવું જોઈએ નહીં અને તેનાથી ચોક્કસ અંતર જાળવવું જોઈએ.


નવજાત માટે ઝેર સમાન


જો ઘરમાં નવજાત શિશુ કે બાળક હોય જેની ઉંમર 6 વર્ષથી ઓછી હોય તો તેની આસપાસ મચ્છરનો કોઇલ ન સળગાવવી જોઇએ. આમાંથી નીકળતો ધુમાડો તેમના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ છે.


શ્વાસની સમસ્યા


ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકો મચ્છરોથી બચવા માટે પોતાના પલંગની નીચે કોઇલ સળગાવી દે છે. આમ કરવું એ ખુબ જ જોખમી છે. કોઇલમાંથી નીકળતો ધુમાડો સીધો વ્યક્તિના શરીરમાં જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને ગંભીર સ્થિતિમાં હાર્ટ એટેક પણ આવી શકે છે.