Constipation vs Colon Cancer: આજના ફાસ્ટ-ફોરવર્ડ જમાનામાં અનિયમિત જીવનશૈલી, જંકફૂડ અને સ્ટ્રેસને કારણે પેટની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તેમાં પણ કબજિયાત (Constipation) એક એવી સમસ્યા છે જેનો સામનો વિશ્વભરમાં લાખો લોકો રોજિંદા જીવનમાં કરે છે. સામાન્ય રીતે લોકો આ સમસ્યાને અવગણે છે અથવા ઘરેલું ઉપચાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લાંબા સમય સુધી રહેતી કબજિયાત ક્યારેક આંતરડાના કેન્સર (Colon Cancer) જેવી ગંભીર બીમારીનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે? જોકે, ગભરાવાની જરૂર નથી કારણ કે દરેક કબજિયાત કેન્સર નથી હોતી, પરંતુ શરીર જે સંકેતો આપે છે તેને ઓળખવા જરૂરી છે.

Continues below advertisement

કબજિયાત અને કેન્સર વચ્ચેનો સંબંધ

મોટાભાગના કિસ્સાઓમાં કબજિયાતનું મુખ્ય કારણ શરીરમાં ફાઈબર અને પાણીનો અભાવ, બેઠાડુ જીવનશૈલી અથવા ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) હોય છે. પરંતુ જ્યારે આંતરડામાં ગાંઠ અથવા ટ્યુમર થાય છે, ત્યારે તે મળના માર્ગને સાંકડો કરી દે છે અથવા અવરોધે છે. જેના કારણે વ્યક્તિને મળત્યાગમાં મુશ્કેલી પડે છે અને સતત કબજિયાત રહે છે. મેડિકલ સાયન્સ મુજબ, જ્યારે કેન્સર એડવાન્સ સ્ટેજ પર પહોંચે છે અથવા ગાંઠ મોટી થાય છે ત્યારે તે આંતરડાને બ્લોક કરે છે, જે ગંભીર પીડા અને કબજિયાતનું કારણ બને છે.

Continues below advertisement

આ 7 લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો

જો તમને નીચે મુજબના લક્ષણો જણાય, તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં:

  1. લાંબા સમય સુધી સમસ્યા: જો કબજિયાતની સમસ્યા 3 અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી સતત રહે અને ડાયટમાં ફેરફાર કરવા છતાં કોઈ ફરક ન પડે.
  2. મળમાં લોહી: ટોયલેટ કરતી વખતે મળ સાથે લાલ લોહી આવવું અથવા મળનો રંગ એકદમ કાળો (ડામર જેવો) હોવો તે આંતરિક રક્તસ્ત્રાવનો સંકેત હોઈ શકે છે.
  3. વજનમાં ઘટાડો: જો તમે કોઈ ડાયટિંગ કે કસરત નથી કરી રહ્યા છતાં તમારું વજન અચાનક અને કારણ વગર ઘટવા લાગે (Unexplained Weight Loss).
  4. પેટમાં અસહ્ય દુખાવો: પેટમાં સતત દુખાવો રહેતો હોય, ભારેપણું લાગતું હોય અથવા પેટના કોઈ ભાગમાં ગાંઠ જેવું મહેસૂસ થાય.
  5. થાક અને નબળાઈ: પૂરતો આરામ કરવા છતાં અતિશય થાક લાગવો અથવા શરીરમાં લોહીની ઉણપ (એનિમિયા) થવી.
  6. પેટની આદતોમાં ફેરફાર: અચાનક પેટ સાફ ન થવું, અથવા ક્યારેક કબજિયાત તો ક્યારેક ડાયેરિયા (ઝાડા) જેવી સ્થિતિ વારંવાર બદલાતી રહેવી.
  7. ઉંમરનો પરિબળ: જો તમારી ઉંમર 45 થી 50 વર્ષની આસપાસ હોય અને જીવનમાં પહેલીવાર તમને ગંભીર કબજિયાતની સમસ્યા થઈ હોય, તો તેને ગંભીરતાથી લેવી જોઈએ.

સામાન્ય કબજિયાત શું છે?

મેડિકલ ભાષામાં, જો અઠવાડિયામાં 3 થી ઓછી વખત મળત્યાગ થાય, મળ ખૂબ કઠણ હોય અને પેટ સાફ કરવામાં જોર કરવું પડે, તો તેને કબજિયાત કહેવાય છે. જો આ તકલીફ 3 અઠવાડિયાથી વધુ ચાલે તો તેને 'ક્રોનિક કબજિયાત' (Chronic Constipation) કહેવામાં આવે છે.

(ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી માટે છે. કોઈપણ લક્ષણ જણાય તો જાતે નિદાન કરવાને બદલે નિષ્ણાત તબીબની સલાહ અવશ્ય લેવી.)