શું તમે પણ વજન ઘટાડવા માટે ઓનલાઈન સપ્લિમેન્ટ્સ મંગાવીને ખાઓ છો? તો સાવધાન થઈ જજો! યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના આરોગ્ય અધિકારીઓએ એમેઝોન (Amazon), ઈબે (eBay), એટ્સી (Etsy) અને અન્ય વેબસાઇટ્સ પર વેચાતા 29 જેટલા ડાયેટરી સપ્લિમેન્ટ્સને લઈને ગંભીર ચેતવણી જારી કરી છે. વજન ઘટાડવા અને એન્ટીઑકિસડન્ટ તરીકે વપરાતા આ સપ્લિમેન્ટ્સ બજારમાં 'ટેજોકોટ રૂટ' (Tejocote root) અથવા 'બ્રાઝિલ સીડ' ના નામે વેચાઈ રહ્યા હતા. પરંતુ, તપાસમાં ખુલાસો થયો છે કે તેમાં ખરેખર અત્યંત ઝેરીલો 'પીળો ઓલિએન્ડર' (Yellow Oleander - એક પ્રકારની પીળી કરેણ) છોડ ભેળવવામાં આવ્યો છે, જે તમારા સ્વાસ્થ્ય અને જીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
કઈ રીતે ખતરનાક છે આ સપ્લિમેન્ટ્સ?
મેક્સિકો અને મધ્ય અમેરિકામાં જોવા મળતો પીળો ઓલિએન્ડર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઝેરી માનવામાં આવે છે. હકીકતમાં, કેટલીક કંપનીઓ વજન જલ્દી ઘટાડવાના શોર્ટકટ તરીકે આ ઝેરી છોડનો ઉપયોગ કરે છે. આ છોડમાં રહેલા ઝેરી તત્વો ભૂખ મારી નાખે છે અને ઉલટી-ઝાડા જેવી સ્થિતિ ઊભી કરે છે. લોકોને લાગે છે કે તેમનું વજન ઝડપથી ઘટી રહ્યું છે, પરંતુ આ પદ્ધતિ જીવલેણ છે. આ ઝેરી છોડના બીજ દેખાવમાં અમુક સામાન્ય કુદરતી બીજ જેવા જ લાગતા હોવાથી લોકો અજાણતા જ તેનો શિકાર બની જાય છે અને તેને ઓળખવા મુશ્કેલ બની જાય છે.
શરીર પર કેવી ગંભીર આડઅસર થાય છે?
FDA ના જણાવ્યા અનુસાર, આ ઝેરી પીળા ઓલિએન્ડરવાળા સપ્લિમેન્ટ્સ ખાવાથી સીધી અસર તમારા હૃદય, મગજ અને પાચનતંત્ર પર પડે છે. આનાથી પેટમાં સખત દુખાવો, ગભરામણ, માનસિક મૂંઝવણ અને કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક) જેવી ગંભીર સ્થિતિ પણ ઊભી થઈ શકે છે, જે કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું કારણ પણ બની શકે છે.
કંપનીઓ સામે પગલાં અને આરોગ્ય વિભાગની સલાહ
આ સમગ્ર મામલાની તપાસ 2023 માં શરૂ થઈ હતી, જ્યારે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) ના એક રિપોર્ટમાં આ ઝેરી તત્વો વિશે જાણવા મળ્યું હતું. FDA ની કડક ચેતવણી બાદ કેટલીક કંપનીઓએ તો પોતાના પ્રોડક્ટ્સ બજારમાંથી પાછા ખેંચી લીધા છે (રીકોલ કર્યા છે), પરંતુ અમુક કંપનીઓનો કોઈ સંપર્ક થઈ શકતો નથી અથવા તેમણે પ્રોડક્ટ પાછા ખેંચવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. FDA ને આશંકા છે કે બજારમાં હજુ પણ અલગ-અલગ નામોથી આવા ઝેરી સપ્લિમેન્ટ્સ વેચાઈ રહ્યા છે.
અધિકારીઓએ લોકોને તાત્કાલિક અપીલ કરી છે કે જે લોકોએ આ સપ્લિમેન્ટ્સ ખરીદ્યા છે, તેઓ તરત જ તેનો ઉપયોગ બંધ કરી દે અને તેનો કચરામાં સુરક્ષિત રીતે નિકાલ કરે. જો તમે આ સપ્લિમેન્ટ્સ ખાધા છે અને હાલમાં કોઈ લક્ષણો નથી દેખાતા, તો પણ સાવચેતીના ભાગરૂપે એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.
નોંધ: આ માહિતી વિવિધ રિસર્ચ અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈપણ નવી કસરત, ડાયેટ કે સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ અચૂક લેવી.
