Hair Dye Safety: શું હેર ડાઈ લિવરને નુકસાન પહોંચાડી શકે? જાણો નિષ્ણાતોનો શું છે અભિપ્રાય
Hair Dye Allergy Symptoms: એવા કોઈ નક્કર ક્લિનિકલ પુરાવા નથી કે જે સૂચવે છે કે કોસ્મેટિક હેર ડાઈ નિયમિત ઉપયોગ સામાન્ય લોકોમાં ગંભીર લીવર રોગ તરફ દોરી જાય છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.

- નિયમિત હેર ડાઈથી લિવરને નુકસાન થવાના નક્કર પુરાવા નથી.
- PPD જેવા કેમિકલ્સથી દુર્લભ કિસ્સાઓમાં એલર્જી થઈ શકે છે.
- ધુમ્રપાન છોડવું લિવરના સ્વાસ્થ્ય માટે વધુ જરૂરી છે.
- રેગ્યુલેટેડ બ્રાન્ડ, પેચ ટેસ્ટ અને સાવચેતી જરૂરી.
Can Hair Dye Cause Liver Damage: સલૂનની ખુરશી પર બેઠા-બેઠા જ્યારે વાળનો રંગ બદલાતો દેખાય છે, ત્યારે મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવે છે કે શું આ કેમિકલ્સ ખરેખર શરીર માટે નુકસાનકારક છે? તેની તીવ્ર ગંધ અને વિવિધ વાતો સાંભળીને ઘણા લોકોને લાગે છે કે હેર ડાઈથી લિવર પણ ખરાબ થઈ શકે છે. પરંતુ હકીકત થોડી અલગ છે. ચાલો તમને જણાવીએ કે આ અંગે નિષ્ણાતો શું કહે છે.
નિષ્ણાતો શું કહે છે?
સૈફી હોસ્પિટલના હેપેટોલોજિસ્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. ચેતન કલાલે TOI ને જણાવ્યું કે, નિયમિત રીતે કોસ્મેટિક હેર ડાઈનો ઉપયોગ કરવાથી સામાન્ય લોકોમાં લિવરની ગંભીર બીમારી થવાના કોઈ નક્કર ક્લિનિકલ પુરાવા નથી. તેનું કારણ પણ સ્પષ્ટ છે – માર્કેટમાં મળતી મોટાભાગની ડાઈ રેગ્યુલેટેડ (નિયંત્રિત) હોય છે અને ખોપરીની ત્વચા (Scalp) દ્વારા શરીરમાં તેનું શોષણ ખૂબ જ ઓછું થાય છે. એટલે કે, આ કેમિકલ્સ એટલી માત્રામાં બ્લડસ્ટ્રીમ (લોહીના પ્રવાહ) સુધી નથી પહોંચતા કે લિવરને નુકસાન કરી શકે.
શું કોઈ નુકસાન નથી થતું?
જોકે, તેનો અર્થ એ નથી કે જોખમ બિલકુલ શૂન્ય છે. કેટલાક કિસ્સાઓમાં લિવર ડેમેજના અહેવાલો સામે આવ્યા છે, ખાસ કરીને જ્યારે ડાઈમાં પેરા-ફિનાઈલિન ડાયમાઈન (PPD) જેવા કેમિકલ્સ સામેલ હોય. પરંતુ આ કિસ્સાઓ અત્યંત દુર્લભ (Rare) અને 'ઈડિયોસિંક્રેટિક' હોય છે, એટલે કે દરેક વ્યક્તિમાં અલગ રીતે, કોઈ નિશ્ચિત પેટર્ન વગર જોવા મળે છે. આ ડોઝ પર નિર્ભર નથી હોતા, પરંતુ શરીરની વ્યક્તિગત પ્રતિક્રિયા પર આધારિત હોય છે.
ડૉ. હર્ષિલ એસ. શાહ જણાવે છે કે, PPD અને એમોનિયા જેવા તત્વો ત્યારે નુકસાનકારક હોઈ શકે છે જ્યારે તેઓ શરીરમાં વધુ માત્રામાં પ્રવેશ કરે – જેમ કે સ્કેલ્પ પર ઘા હોય અથવા એપ્લિકેશન દરમિયાન તેના ધુમાડા (Fumes) વધુ પડતા શ્વાસમાં લેવામાં આવે. સામાન્ય રીતે આનાથી સ્કિન એલર્જી થાય છે, જે અસ્વસ્થતા પેદા કરે છે પણ ખતરનાક નથી. જે કિસ્સાઓમાં હેર ડાઈ અને હેપેટાઈટીસ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે, તેમાં લાંબા સમય સુધી અથવા વારંવાર ઉપયોગની સાથે પહેલેથી અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ સામેલ હતી.
મુશ્કેલી ક્યારે વધે છે?
સાચી ચિંતા ત્યારે વધે છે જ્યારે ઘણા જોખમો એકસાથે જોડાય છે, જેમ કે ધૂમ્રપાન (Smoking). ધૂમ્રપાન પોતે લિવર માટે મોટું જોખમ છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ, સોજો અને ફાઈબ્રોસિસ વધારે છે, જેનાથી લિવરની બીમારીનું જોખમ વધી જાય છે, ખાસ કરીને જો ફેટી લિવર કે દારૂ પીવાની આદત હોય. આવી સ્થિતિમાં જ્યારે શરીર કેમિકલ્સના સંપર્કમાં આવે છે, ત્યારે કુલ મળીને ટોક્સિક (ઝેરી) અસર વધી શકે છે. પરંતુ ડૉ. કલાલ ભારપૂર્વક કહે છે કે લિવરના સ્વાસ્થ્ય માટે હેર ડાઈ છોડવા કરતા ધૂમ્રપાન છોડવું વધુ જરૂરી છે.
શું ઉપાય કરવો?
તો શું કરવું જોઈએ? સૌથી શ્રેષ્ઠ રસ્તો છે સાવધાની સાથે ઉપયોગ.
- હંમેશા ભરોસાપાત્ર અને રેગ્યુલેટેડ બ્રાન્ડની જ ડાઈ પસંદ કરો.
- એમોનિયા-ફ્રી કે હર્બલ લખેલું હોવાનો અર્થ એ નથી કે તે સંપૂર્ણ સુરક્ષિત છે, તેમાં પણ અલગ પ્રકારના કેમિકલ્સ હોય છે.
- દરેક વખતે ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ ચોક્કસ કરો, જેથી એલર્જીની પહેલેથી ખબર પડી શકે.
- ક્યારેય પણ ડાઈને સોજાવાળી સ્કેલ્પ કે ઘા વાળી ચામડી પર ન લગાવો.
ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈ પણ નવી પ્રવૃત્તિ કે કસરત અપનાવતા પહેલા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )






















