Health Tips: શું તમને સવારે ઉઠતાની સાથે આવવા લાગે છે ચક્કર,જાણો કઈ બીમારીનો છે સંકેત?
જ્યારે શરીર સૂવાની સ્થિતિમાંથી ઊભા રહેવાની સ્થિતિમાં આવે છે, ત્યારે બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે. જો શરીર તરત જ આને સંતુલિત કરવામાં અસમર્થ હોય, તો ચક્કર આવવાનો અનુભવ થઈ શકે છે.

Health Tips: સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ જો માથું ફરવા લાગે, આંખો સામે અંધકાર છવાઈ જાય અથવા થોડી સેકન્ડ માટે શરીર હલકું લાગે તો તેને હળવાશથી ન લેવું જોઈએ. ઘણા લોકો તેને થાક, ઓછી ઊંઘ કે નબળાઈ સમજીને અવગણના કરે છે, પરંતુ વારંવાર આવું થવું કોઈ બીમારી તરફ ઈશારો હોઈ શકે છે. ડોક્ટરોના મતે, મોટાભાગના કિસ્સાઓમાં સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવા એ શરીરની અચાનક પોઝિશન બદલવા સાથે જોડાયેલું હોય છે. જ્યારે આપણે સૂતા હોઈએ અને સીધા ઊભા થઈ જઈએ છીએ, ત્યારે થોડી ક્ષણો માટે મગજ સુધી લોહીનો પુરવઠો ઓછો થઈ જાય છે, આ સ્થિતિને 'ઓર્થોસ્ટેટિક હાઈપોટેન્શન' (Orthostatic Hypotension) કહેવામાં આવે છે.
શું છે ઓર્થોસ્ટેટિક હાઈપોટેન્શન?
જ્યારે શરીર સૂવાની સ્થિતિમાંથી ઊભા થવાની સ્થિતિમાં આવે છે, ત્યારે બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે. જો શરીર તરત જ તેને સંતુલિત કરી શકતું નથી, તો માથું ફરવા જેવો અહેસાસ થાય છે. આ સમસ્યા ખાસ કરીને વૃદ્ધો, ઓછું પાણી પીતા લોકો અથવા અમુક દવાઓ લેતા લોકોમાં વધુ જોવા મળે છે.
સવારે ચક્કર આવવાના સામાન્ય કારણો
પાણીની અછત (ડીહાઈડ્રેશન): આખી રાત ઊંઘ દરમિયાન શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. જો દિવસ દરમિયાન પણ પૂરતું પાણી પીવામાં ન આવે તો સવારે બ્લડ પ્રેશર ઘટી શકે છે અને ચક્કર આવી શકે છે. દારૂ કે વધુ પડતું કેફીન લેવાથી આ સમસ્યા વધુ વધે છે, જેનાથી સવારે ઉઠતી વખતે ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે.
લો બ્લડ શુગર: સવારે ખાલી પેટે રહેવાથી કેટલાક લોકોનું બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ખાસ કરીને જેઓ ઇન્સ્યુલિન કે દવાઓ લે છે, તેમનામાં હાઈપોગ્લાયસેમિયાને કારણે ચક્કર, નબળાઈ અને ગભરાટ થઈ શકે છે.
દવાઓની આડઅસર: બ્લડ પ્રેશર, ડિપ્રેશન, હૃદયની બીમારી કે ઊંઘની દવા પણ સવારે ચક્કર આવવાનું કારણ બની શકે છે. આ દવાઓ બ્લડ પ્રેશર કે નસોની કામ કરવાની પદ્ધતિને અસર કરે છે.
સ્લીપ એપનિયા અને કાનની સમસ્યા:
જો રાત્રે શ્વાસ અટકી-અટકીને ચાલતો હોય (સ્લીપ એપનિયા), તો શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે. આનાથી સવારે ઉઠતા જ ચક્કર કે ભારેપણું અનુભવાય છે. આ સિવાય, કાનનો અંદરનો ભાગ શરીરનું સંતુલન જાળવી રાખે છે, જો તેમાં સોજો, ઈન્ફેક્શન કે ક્રિસ્ટલની ગરબડ થાય તો ઉઠતી વખતે તેજ ચક્કર આવી શકે છે. લોહીની ઉણપ, માઈગ્રેન કે ન્યુરોલોજીકલ સમસ્યાઓ પણ આનું કારણ હોઈ શકે છે.
સવારે ચક્કર આવવાથી બચવાના સરળ ઉપાયો
જો તમને પણ સવારે ઉઠતાની સાથે જ ચક્કર આવવાની સમસ્યા થતી હોય, તો પ્રયાસ કરો કે પથારીમાંથી અચાનક ન ઉઠો. પહેલા થોડી મિનિટો બેસો અને પછી આરામથી ઉભા થાઓ. સાથે જ દિવસભર પૂરતું પાણી પીતા રહો અને સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવો. રાત્રે દારૂ અને વધુ પડતું કેફીન લેવાનું ટાળો, બ્રેકફાસ્ટ જરૂર કરો જેથી બ્લડ શુગર સ્થિર રહે. જો કોઈ દવા લેતા હોવ અને ચક્કર વધતા હોય, તો ડોક્ટરની સલાહ અવશ્ય લો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાત કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )























