યૂપી દેવરિયા:આને કુદરતનો કરિશ્મા કહેશો કે પછી ડોક્ટરોની બેદરકારી. પણ મૃત્યુ પછી એક મહિલા જીવિત થઈ. જી હાં આ ઘટના યૂપીના દેવરિયા જિલ્લામાં બની છે. જો કે મૃત્યુ પછી જીવિત થયા હોય તેવી આ પહેલી ઘટના નથી આવી ઘટના વિશે આપે આ પહેલા પણ સાંભળ્યું, વાંચ્યું હશે. યુપીના દેવરિયા જિલ્લામાં શનિવારે બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા. હકીકતમાં, સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું, ડૉક્ટરોએ પણ મહિલાને મૃત જાહેર કરી હતી બાદ પરિજનોને મૃતદેહ સોંપી દેવાયો હતો.
જ્યારે પરિવારના સભ્યો મૃતદેહ લઈને ગામમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક મહિલાને હોશ આવી ગયો અને તેણે લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ જોઈને બધાના હોશ ઉડી ગયા અને પછી મહિલાને લઈને હોસ્પિટલ પહોંચ્યા.ડોક્ટરે ફરી ચેકઅપ કર્યું તો મહિલા સંપૂર્ણ સ્વસ્થ જોવા મળી. આ પછી મહિલાને પરિવારના સભ્યો સાથે મોકલવામાં આવી હતી. અહીં જ્યારે મહિલાના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા ત્યારે લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતા, પરંતુ થોડીવાર પછી મહિલાના જીવિત હોવાના સમાચાર મળતાં શોક ખુશીમાં ફેરવાઈ ગયો.
ખુશીનો પાર ન રહ્યો
મહુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવા બજાર ગામના કન્હૈયાની પત્ની મીના દેવી (55) સોમવારે બીમાર થઈ ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સંબંધીઓ તેને જિલ્લાની હોસ્પિટલ લઇ ગયા હતા.. જ્યારે સ્થિતિ નાજુક બનતા તેમને સોમવારે સાંજે જ ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. મહિલાને મેડિકલ કોલેજમાં ભરતી કર્યા બાદ ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી. શુક્રવારે સવારે પાંચ વાગ્યે ડૉક્ટરે મીના દેવીને મૃત જાહેર કર્યા અને તેમને આઈસીયુમાંથી બહાર કાઢ્યા.
ઘરની બહાર લોકોની ભીડ
મીના દેવીના મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ સગા-સંબંધીઓ પણ દરવાજા પર એકઠા થઈ ગયા હતા. દરવાજા પર એકઠા થયેલા ગામના લોકોએ પણ મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. લોકો મૃતદેહ ગામમાં પહોંચે તેની રાહ જોતા હતા. મૃતદેહ લઈને ઘરે આવતા સમયે ચૌરીચૌરા પાસે મહિલાને હોશ આવી ગયો.
તેણીએ વાત શરૂ કરી. બધાને ઓળખવા લાગ્યા. તે પછી ઘરના લોકો મીના દેવીને જિલ્લા મુખ્યાલયના એક ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરે તેને ઠીક હોવાનું કહ્યું અને તેને ઘરે મોકલી દીધા. મૃતક મહિલા જીવિત હોવાના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે તેના ઘરની બહાર ઉમટી પડ્યા હતા, જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.