એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2008થી 2017ની વચ્ચે જન્મેલા 1.5 કરોડથી વધુ બાળકોને ભવિષ્યમાં પેટનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સર થઇ શકે છે. જેમાં સૌથી વધુ કેસ ચીનમાં હશે અને ભારત બીજા ક્રમે રહેશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ કેસોમાં લગભગ બે તૃતીયાંશ એશિયામાં જોવા મળી શકે છે. આ પછી અમેરિકા અને આફ્રિકામાં કેસ વધી શકે છે. આ અભ્યાસ WHO ની કેન્સર એજન્સી IARC (ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) દ્ધારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં કુલ 1.56 કરોડ લોકોને તેમના જીવનમાં ગેસ્ટ્રિક કેન્સર થવાની સંભાવના છે. આમાંથી 76 ટકા કેસ પેટમાં જોવા મળતા બેક્ટેરિયા 'હેલિકોબેક્ટર પાયલોરી'ને કારણે થશે. આ બેક્ટેરિયા લાંબા સમય સુધી પેટમાં રહે છે અને ધીમે ધીમે કેન્સરનું કારણ બની શકે છે.

પેટના કેન્સરથી બચવા માટે આપવામાં આવેલા સૂચનો

પેટનું કેન્સર વિશ્વમાં કેન્સરથી મૃત્યુનું પાંચમું સૌથી મોટું કારણ છે. આ રોગને રોકવા માટે વધુ ધ્યાન અને રોકાણ જરૂરી છે. ખાસ કરીને સમયસર લોકોનું પરીક્ષણ કરવું અને આ બેક્ટેરિયાની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો ફક્ત ભારતમાં જ 16.5 લાખથી વધુ કેસ થઈ શકે છે. ભારત અને ચીનમાં સંયુક્ત રીતે 65 લાખ નવા કેસ થવાની સંભાવના છે. જો સમયસર ટેસ્ટ અને સારવાર કરવામાં આવે તો 75 ટકા કેસ અટકાવી શકાય છે. એટલે કે આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકાય છે ફક્ત સાચી માહિતી અને સમયસર સારવારની જરૂર છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરના સંશોધકોએ એ ગ્લોબોકન 2022 ડેટાબેઝનો ઉપયોગ કરીને 185 દેશોમાં ગેસ્ટ્રિક કેન્સરની ઘટનાઓ પરના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, તેમજ સંયુક્ત રાષ્ટ્રના વસ્તી વિષયક ડેટામાંથી અંદાજિત મૃત્યુ દરનું વિશ્લેષણ કર્યું હતુ.

નેચર મેડિસિન પત્રિકામાં પ્રકાશિત અભ્યાસમાં લેખકોએ કહ્યું હતું કે "વૈશ્વિક સ્તરે આ જન્મ જૂથોમાં 15.6 મિલિયન આજીવન ગેસ્ટ્રિક કેન્સરના કેસોની સંભાવના છે જેમાંથી 76 ટકા હેલિકોબેક્ટર પાયલોરી કારણ બની શકે છે. લેખકોએ ગેસ્ટ્રિક કેન્સરને રોકવા માટે વધુ પગલા લેવાની હાકલ કરી હતી. ખાસ કરીને તપાસ અને બેક્ટેરિયલ ચેપની સારવારના માધ્યમથી આ રોગને અટકાવી શકાય છે.

તેમણે ઉમેર્યું હતું કે યુવાન અને વૃદ્ધ વસ્તીમાં વધતા જતા કેસોને કારણે મૃત્યુ દર અને ગેસ્ટ્રિક કેન્સરના કેસ ઘટાડવાના તાજેતરના પ્રયાસો ઉલટાવી શકાય છે.

અભ્યાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે એશિયામાં 10.6 મિલિયન નવા ગેસ્ટ્રિક કેન્સરના કેસ આવશે જેમાં ફક્ત ભારત અને ચીનમાં 6.5 મિલિયન કેસ થવાની ધારણા છે. ગેસ્ટ્રિક કેન્સરને નિયંત્રિત કરવા માટેના વર્તમાન પગલાંમાં કોઈ ફેરફાર નહીં થાય તો ભારતમાંથી કેસ 1,657,670 હોઈ શકે છે, એમ તેમણે અનુમાન લગાવ્યું હતું. જોકે, જો વસ્તીમાં ગેસ્ટ્રિક કેન્સરને નિયંત્રિત કરવા માટેના પગલાં લેવામાં આવે તો લેખકોએ શોધી કાઢ્યું કે રોગના અપેક્ષિત કેસોમાં 75 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

પેટનું કેન્સર શું છે?

પેટનું કેન્સર એટલે કે ગેસ્ટ્રિક કેન્સર એક ગંભીર રોગ છે જે પેટના આંતરિક સ્તરથી શરૂ થાય છે અને ધીમે ધીમે ઊંડે સુધી ફેલાઈ શકે છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો ખૂબ જ હળવા અથવા સામાન્ય હોય છે તેથી તેને ઓળખવું મુશ્કેલ છે. પરંતુ યોગ્ય માહિતી અને સમયસર તપાસ સાથે તેને ઓળખી શકાય છે અને સારવાર કરી શકાય છે.