Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીક દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ આખા વીક દરમિયાન દરેક દિવસ એક અલગ થીમ અનુસાર ઉજવવામાં આવે છે. ટેડી ડે વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે લોકો તેમના જીવનસાથીને અથવા ખૂબ જ ખાસ અને તેમના દિલની નજીકની વ્યક્તિને ટેડી ભેટમાં આપે છે. ટેડી એક નરમ રમકડું છે અને તેથી તે સંબંધોમાં કોમળતા અને સરળતા લાવે છે. ટેડી એક એવું રમકડું છે જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. ચાલો જાણીએ કે વેલેન્ટાઇન વીક દરમિયાન ટેડી શા માટે આપવામાં આવે છે.

એ જરૂરી નથી કે તમે ફક્ત તમારા પ્રેમી સાથે જ વેલેન્ટાઇન વીક ઉજવી શકો. આ સમય દરમિયાન તમે તમારા ખાસ વ્યક્તિને સંભાળ અને પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. જોકે, ખાસ કરીને કપલ્સ વેલેન્ટાઇન વીકને સૌથી વધુ ઉત્સાહથી ઉજવે છે. ચાલો જાણીએ કે વેલેન્ટાઇન વીકમાં ટેડી ડે કેમ ખાસ છે.

ટેડીનો ઇતિહાસ શું છે?

વેલેન્ટાઇન વીકને લઇને સંત વેલેન્ટાઇનની એક વાર્તા છે, પરંતુ વેલેન્ટાઇન વીક વિશે કોઈ ચોક્કસ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. ટેડી ડે વિશે વાત કરીએ તો તે ટેડી બિયરના નિર્માણ સાથે જોડવામાં આવે છે. 1902માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટ સાથે ટેડી બિયરનો ઇતિહાસ જોડાયેલો છે. એકવાર જ્યારે તે શિકાર કરવા ગયા ત્યારે તેમણે રીંછને ગોળી મારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમના દયાળુ સ્વભાવથી પ્રેરિત થઈને ક્લિફોર્ડ કેનેડી બેરીમેને રીંછને કાર્ટૂન પાત્રમાં ફેરવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ મોરિસ મિચટૉમે ટેડી બિયર સોફ્ટ ટોય બનાવ્યું હતું.

આ રીતે ટેડી બિયર લોકપ્રિય બન્યું

ટેડી બિયર એક સોફ્ટ અને જોવામાં ખૂબ સુંદર ટૉય છે. આ કારણોસર તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું અને ખાસ કરીને તે બાળકોને એક સુંદર રમકડા તરીકે આપવામાં આવવા લાગ્યું. ધીમે ધીમે ટેડી બિયરની વિવિધ ડિઝાઇન બનવા લાગી અને આજે બજારમાં ઘણા સુંદર ટેડી બિયર ઉપલબ્ધ છે.

આપણે ટેડી ડે કેમ ઉજવીએ છીએ?

વેલેન્ટાઇન વીકમાં ટેડી ડે ઉજવવા પાછળનો હેતુ કોઈના પ્રત્યે તમારી કોમળ લાગણીઓ શેર કરવાનો અને સંબંધોમાં હૂંફ વધારવાનો છે. ટેડી બિયર પ્રેમ અને સ્નેહ તેમજ નિર્દોષતાનું પ્રતીક છે. આ જ કારણ છે કે ટેડી ડે ઉજવવામાં આવે છે અને પ્રેમી-પ્રેમિકા અને મિત્રો એકબીજાને ટેડી બિયર આપે છે.