kitchen tips: રસોડાનું કામ નથી થતું ખતમ, તો આ રહી આસાન કિચન ટિપ્સ, થઈ જશે ફટાફટ કામમહિલાઓનો દિવસનો મોટાભાગનો સમય રસોડાના કામકાજમાં જ પસાર થઈ જાય છે. સવારે ઉઠે ત્યાંથી રાત્રે સુવે ત્યાં સુધી મોટાભાગનો સમય મહિલાઓ કિચનમાં હોય છે. રસોડામાં નાના કામમાં ઘણી વખત વધારે સમય લાગી જતો હોય છે. અને જેના કારણે અન્ય કામમાં મોડું થઇ જતું હોય છે.ત્યારે આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જેનાથી તમારા રસોડાનું કામ ઝડપથી થઇ જશે. અને તમને રસોડાના કામમાં થાક પણ નહી લાગે.


આજના સમયમાં સમયની ખુબ કિમત છે. આજે ખાસ કરીને વર્કિંગ વુમનને ઘરનું કામ પતાવીને અન્ય કામ માટે જવાનું હોય ત્યારે આ કિચન ટીપ્સ અપનાવીને તમે ઝડપથી કીચનનું કામ પતાવી શકશો. કિચનના અમુક કામ ખુબ ઝીણવટ ભર્યા હોય છે. જેને કરવામાં ઘણો સમય વેડફાઇ જતો હોય છે. જ્યારે તમે કેટલીક સ્માર્ટ ટીપ્સ અપનાવીને તમારા રસોડાનું કામ ઝડપથી પતાવી શકશો.અને તમારા સમયની બચત પણ થશે. ત્યારે જાણો રસોડા માટે આ ખાસ સ્માર્ટ ટીપ્સ.


મીઠામાં ભેજ નહી લાગે


ઘણી વાર કોઇ કારણસર મીઠામાં ભેજ લાગી જતી હોય છે. મીઠામાં ભેજ લાગવાને કારણે એને ફેંકવાનો વારો આવે છે, પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇકે તમારે પણ મીઠામાં ભેજ લાગી જાય છે તો તમે ચોખાના થોડા દાણાં અંદર મુકી દો. આમ કરવાથી મીઠામાં ભેજ લાગશે નહીં અને તમારું મીઠું મસ્ત રહેશે. આ એક સ્માર્ટ અને સિક્રેટ ટિપ્સ છે.


દાળ બાફતી વખતે અપનાવો આ ટીપ્સ


દાળ કે બીજી કોઇ પણ વાનગી જ્યારે તમે ઘરે બનાવો ત્યારે ખાસ કરીને એમાં પાણી બહાર આવે છે જેના કારણે પ્લેટફાર્મ ગંદુ થાય છે . જેના કારણે મહિલાઓનું રસોડાનું કામ વધી જાય છે. આ માટે જ્યારે પણે તમે કુકરમાં દાળ કે બીજી કોઇ વસ્તુ બાફવા મુકો ત્યારે ખાસ કરીને એમાં એક નાની વાટકી મુકી દો. આમ કરવાથી દાળનું પાણી બહાર આવશે નહીં અને તમારું રસોડુ પણ બગડશે નહીં.


લસણ ઝડપથી ફોલાઇ જશે


નાના નખને કારણે અનેક વાર લસણ ફોલવામાં તકલીફ થાય છે. એવામાં તમે લસણની કળીઓને ગરમ પાણીમાં નાંખો અને બે મિનિટ રહીને બહાર કાઢી લો. આમ કરવાથી લસણ જલદી જ ફોલાઇ જશે.


મિક્સર જારના ચીકાશ દુર થઇ જશે


મિક્સર જારનો સતત ઉપયોગ થવાને કારણે એમાં નીચે ચીકાશ જામી જાય છે અને પછી ગંદી વાસ આવે છે. એવામાં તમે જ્યારે પણ મિક્સરનો ઉપયોગ કરો ત્યારે ખાસ કરીને જારને પાણીથી ધોઇને ડિશ વોશિંગ લિક્વિડથી એક વાર મિક્સર ચલાવો. આમ કરવાથી ચીકાશ નિકળી જશે અને તમારો જાર પણ એકદમ સાફ થઇ જશે. આમ કરવાથી તમારી બ્લેડ પણ ખરાબ નહીં થાય.