પીરિયડ્સમાં હોઇએ ત્યારે કોઈને અડકી ના શકાય? અથવા રસોઇ ન થઇ શકે? આવી માન્યતાઓને કારણે યુવતી તેઓના પીરિયડ્સ વિશે શરમ-સંકોચ અનુભવે છે. કેટલીક માન્યતાઓ આપણે સાંભળી છે, તો કેટલીક આપણા માટે પણ અજાણી છે. એમાંથી ઘણી વાતોને પીરિયડ્સ સાથે ખાસ કોઈ લેવાદેવા પણ નથી. પીરિયડ્સ સંબંધિત દુનિયાભરમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ વિશે આવો જાણીએ…


અમેરિકા- U.K.



  • અમેરિકામાં માનવામાં આવે છે કે માસિક દરમ્યાન મહિલા અશુદ્ધ હોય છે. જેના લીધે તે પીરિયડ દરમિયાન સ્નાન કરી શકતી નથી.

  • ટેમ્પુન્સનો ઉપયોગ કરવાથી હાઈમેન તૂટી જાય છે અને વર્જિનિટી ખતમ થઇ શકે છે.

  • પીરિયડ્સ દરમ્યાન કેમ્પિંગ માટે જવું ન જોઇએ કારણ કે રીંછને દૂરથી જ મહિલાઓના શરીરમાંથી પીરિયડના સમયે આવતી ખાસ પ્રકારની વાસ આવી જાય છે.

  • જયાં સુધી છોકરીમાં માસિક ધર્મની શરૂઆત થતી નથી ત્યાં સુધી એણે પોતાના વાળ ઓળવા ન જોઈએ.

  • ભારતની જેમ અમેરિકામાં પણ મનાય છે કે જો કોઇ છોકરી પીરિયડ્સ દરમ્યાન અથાણાંને અડકે કે એના પર પડછાયો પડે તો એ ખરાબ થઇ જાય છે.


નેપાળ


આ દેશમાં જયારે કોઇ મહિલા માસિક ધર્મમાં હોય ત્યારે એ પોતાના ઘરમાં રહી શકતી નથી. એટલું જ નહીં પરિવારના સભ્યોને અડકી પણ નથી શકતી. પછી એ એનું બાળક પણ કેમ ન હોય.


જાપાન


જયારે કોઇ મહિલા પીરિયડ્સમાં હોય ત્યારે એના મોંનો સ્વાદ બગડી જાય છે એટલે આ સમયે એણે જાપાનની મશહૂર ડીશ ‘’સુશી’’ બનાવવી ન જોઇએ.


ઇઝરાયલ


અહીં જયારે કોઇ છોકરી પહેલી વાર પીરિયડમાં થાય છે ત્યારે એના ગાલ પર થપ્પડ મારવામાં આવે છે. આની પાછળ એવી માન્યતા છે કે થપ્પડ મારવાથી એના ગાલ પર હંમેશાં લાલી રહેશે અને એ હંમેશાં ખૂબસૂરત લાગશે. મહિલા આ સમયે ગરમ પાણીથી સ્નાન કરે તો એને વધારે રકતસ્ત્રાવ થાય છે.


કોલંબિયા


ઠંડા પીણાં ન પીવા જોઈએ. ઠંડા પીણાં પીવાથી ક્રેમ્પ્સ આવે છે. પેઢુમાં દુખાવો થાય છે.વાળ ધોવ કે કપાવા નહીં, કારણ કે આ સમયે મહિલાનું શરીર કમજોર હોય છે. ત્યારે વાળ કપાવાથી કે ધોવાથી એની તબિયત ખરાબ થઇ શકે છે.


રોમાનિયા


મહિલાએ કોઇ ફૂલને હાથ લગાડવો ન જોઇએ કારણ કે એમ કરવાથી ફૂલ મુરઝાઈને જાય છે.


મલેશિયા


પીરિયડ્સ દરમ્યાન વપરાયેલાં કપડાં કે પેડને ફેંકતા પહેલાં ધોઇ નાખવા જોઈએ. ધોયા વિનાનાં કપડાં કે પેડ ફેંકવાથી સ્ત્રી પર ભૂતપ્રેતનો પડછાયો પડી જાય છે.


મેકિસકો


આ દેશમાં પીરિયડ્સ દરમ્યાન મહિલાએ મનપસંદ તેજ ધૂનવાળા ગીતો પર ડાન્સ કરવો ન જોઇએ કારણ કે ડાન્સ કરવાથી એના યુટેરસ પર વજન આવે છે એટલે યુટેરસની કાળજી રાખવી જોઇએ.


બ્રાઝિલ



  • વાળ ધોવા ન જોઇએ.

  • ખુલ્લા પગે ચાલવું ન જોઇએ. ઠંડી લાગવાથી પેટમાં દુખાવો થઇ શકે છે.


આર્જેન્ટિના


સ્નાન કરવું ન જોઇએ કારણ કે એનાથી એના પીરિયડનો પ્રવાહ અટકી શકે અને આરોગ્ય પર ખરાબ અસર પડે છે.



ઇટલી



  • જો કોઇ સ્ત્રી પીરિયડ્સ વખતે લોટ બાંધે તો એ બરાબર બંધાતો નથી. બ્રેડ બનાવતી હોય તો એમાં આથો આવતો નથી.

  • છોડને અડવું જોઈએ નહી કેમ કે છોડનો વિકાસ થતો નથી.

  • રસોઇ કરવી ન જોઇએ. એ જે કંઇ રાંધે તે કોઇને માટે પણ આરોગ્યપ્રદ નહીં હોય.

  • બીચ કે સ્વિમિંગ પુલમાં જવું ન જોઇએ. પાણીના સંપર્કમાં આવવું ન જોઈએ.


ભારત



  • પીરિયડ્સ દરમ્યાન કિચનમાં ન જવું કે કોઇ ખાવાની ચીજને હાથ પણ ન લગાડવો.

  • મંદિરમાં જવાય નહીં કે પૂજા ન થાય. તુલસીમાતાને પણ હાથ ન લગાડવો.

  • ચોથા દિવસે જ વાળ ધોઇ કિચનમાં જવાય.

  • પીરિયડ્સ દરમ્યાન જુદા રૂમમાં જુદી પથારી પર જ સુવાય અને પીરિયડ્સ પૂરા થયા બાદ ચાદર ધોઇ નાખવી.

  • અથાણાંને હાથ ન લગાડવો કે પડછાયો ન પડવા દેવો. અથાણું બગડી જાય છે.

  • વાળ ધોશો તો બ્લીડીંગ ઓછું થશે અને એ તમારી ફર્ટીલિટી પર અસર કરશે.

  • કર્ણાટકમાં એક પ્રથા મુજબ જ્યારે પહેલી વાર કોઇ છોકરી પીરિયડમાં આવે છે ત્યારે એને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવે છે. આસપાસની મહિલાઓ એની આરતી ઉતારે છે. આંધ્ર પ્રદેશ અને કેરળમાં પણ આવી પ્રથા સામાન્ય છે.

  • દક્ષિણ ભારતમાં એક પ્રથા અનુસાર પહેલી વાર પીરિયડમાં આવનાર છોકરીઓ પોતાની પાસે લીંબુ કે લોખંડની કોઇ વસ્તુ રાખે છે, જેથી બૂરી તાકાત તેની નજીક ન આવે.

  • પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં જયારે કોઇ છોકરીને પહેલી વાર પીરિયડ્સ આવે છે ત્યારે એને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં માસિક દરમ્યાન નીકળતા લોહીને ગાયના દૂધ અને કોપરેલ સાથે મિકસ કરી પીવડાવાય છે. માન્યતા છે કે આ લોહી પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે. યાદશક્તિ વધારવા અને ખુશ રહેવામાં પણ એ ઉપયોગી છે.

  • મણિપુરમાં જયારે પહેલી વાર કોઇ છોકરી માસિકધર્મમાં આવે છે, તો એની માતા એ કપડાંને સાચવીને રાખી મૂકે છે અને લગ્ન વખતે દીકરીને ભેટ તરીકે આપે છે. આ કપડાં એટલાં શક્તિશાળી માનવામાં આવે છે કે એ છોકરી અને એના પરિવારને નકારાત્મક શક્તિ અને બીમારીઓથી બચાવે છે.