ગીર સોમનાથ: કાળઝાળ ગરમીની વચ્ચે આજે સવારે ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. જૂનાગઢના દેવળિયામાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
રાજ્યમાં આગ ઝરતી ગરમી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 7 મેથી તાપમાન 45 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી છે. આજે અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. એપ્રિલ મહિનામાં તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મે મહિનામાં ગરમીનો પારો હજુ વધવાની હવામાન વિભાગની આગાહી છે.
હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શનિવારે રાજ્યના છ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. જો કે ત્યારબાદના ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કાળઝાળ ગરમીની સંભાવનાને લઈને આજે અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. તો આજે અમદાવાદ, પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, ગાંધીનગર, ખેડામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
જ્યારે રાજકોટમાં 42, વડોદરા, ગાંધીનગર, આણંદ, ખેડા સહિતના જિલ્લામાં 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે. જ્યારે આજે રવિવાર હોવાથી વોટરપાર્ક પણ હાઉસ ફૂલ છે. લોકો ગરમીથી બચવા માટે પરિવાર સાથે વોટર પાર્ક પહોંચ્યા છે. તો આ તરફ બપોરના આકરા તાપથી બચવા લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે.