Weather Forecast :કેરળમાં ચોમાસું પ્રવેશી ગયું છે, પરંતુ ઉત્તર ભારતના લોકો હજુ પણ ગરમીથી ત્રસ્ત છે. કાળઝાળ ગરમીથી પરેશાન દિલ્હી-NCR સહિત દેશના અનેક રાજ્યોના લોકોને આજથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદની સંભાવના છે.


 IMD અનુસાર, આજે એટલે કે 2 જૂને દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ગુજરાત કેટલાક ભાગોમાં આંધીની આગાહી કરી   છે. તો બીજી તરફ હિટવેવની સ્થિતિ પણ આ રાજ્યોમાં યથાવત રહેશે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં હિટવેવના પ્રકોપથી રાહતના કોઇ આસાર નથી. દિલ્હીમાં શનિવારે પણ ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ તેમ છતાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 4 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે રવિવારે દિલ્હીમાં વાદળછાયું આકાશ, હળવો વરસાદ અને 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની આગાહી કરી છે. વિભાગનો અંદાજ છે કે રવિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન 43 અને 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.


 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 જૂને દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સમગ્ર અઠવાડિયે દિલ્હીમાં ભારે પવન ફૂંકાશે, દિલ્હીનું મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને ગોવામાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર અને પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઝારખંડ, બિહાર અને ઓડિશાના કેટલાક ભાગોમાં ગરમીથી થોડી રાહત મળી શકે છે. 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદ અને ગાજવીજ સાથે ધૂળની આંધી થવાની સંભાવના છે.


રાજસ્થાનમાં જીવલેણ ગરમી


નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે શનિવારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે, રાજ્યમાં હિટવેવના  કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ શનિવારે વધીને 9 થઈ ગઈ છે, જે ગુરુવારે પાંચ હતી. શનિવારે ગંગાનગર રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કોટામાં તે 46.1 ડિગ્રી હતું.