Rain Forecast :દેશના ઘણા રાજ્યો પર હાલ મેઘો મહેરબાન છે. તેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગે ઘણી જગ્યાએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે ચિંતા વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ તેમજ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે અન્ય રાજ્યો માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે 10 અને 11 જુલાઈએ હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 08, 10 અને 11 જુલાઈએ ઉત્તરાખંડ, 08ના રોજ પંજાબ, 07 અને 11 જૂને હરિયાણા-ચંદીગઢ અને 08 અને 09 જુલાઈએ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશમાં 07 થી 11 જુલાઈ દરમિયાન અને વિદર્ભ અને છત્તીસગઢમાં 07 થી 09 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ 5 દિવસો દરમિયાન, હિમાચલ પ્રદેશ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પૂર્વ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તેમજ જમ્મુ-કાશ્મીરમાં પણ અલગ-અલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે લદ્દાખ, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને જેના પગલે નદીઓ તોફાની બની છે. ઉત્તરાખંડના હવામાન વિભાગે વરસાદને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે.
નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દેહરાદૂન, ઉધમ સિંહ નગર, પૌરી, ચમોલી, પિથોરાગઢ, ઉત્તરકાશી, ટિહરી, રુદ્રપ્રયાગ, અલ્મોડા અને ચંપાવતમાં ભારે વરસાદની શક્યતા છે. રૂદ્રપુર- ઉધમ સિંહ નગર જિલ્લાના ડીએમએ આજે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરી છે.7 થી 11 જુલાઈ દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે જાહેર યલો એલર્ટ જાહેર કર્યું છે. તો સુરત, નવસારીઅને વલસાડમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે,સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.