Air India Plane Crash: એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહીં પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ સામેલ હતા. અમદાવાદમાં થયેલા આ અકસ્માતે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે 4 એમબીબીએસ ડોક્ટર અને 19 અન્યના મોત થયા છે. જેના સહાયની માંગણી પણ મેડિકલ અસોશિએશન કરી હતી. જેના ટાટા ગ્રૂપે માન્ય રાખી છે.
IMA એ ટાટા ગ્રુપને મદદ માટે અપીલ કરી
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ની ગુજરાત રાજ્ય શાખાએ શનિવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને બીજે મેડિકલ કોલેજના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે નાણાકીય અને માનવતાવાદી સહાયની અપીલ કરી. IMA એ તેના પત્રમાં લખ્યું - "અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ઘાયલ થયેલા અથવા જીવ ગુમાવનારા સ્થળ પર હાજર મેડિકલ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડો." પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાએ તેના મુસાફરોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, આવી સ્થિતિમાં, મેડિકલ વિદ્યાર્થીઓને પણ આવી જ સહાનુભૂતિ અને ટેકો આપવો જોઈએ. IMA એ લખ્યું છે કે, આ વિદ્યાર્થીઓ ફક્ત પીડિત નહોતા, પરંતુ ભવિષ્યના ડૉક્ટર હતા, તેમના પરિવારો પણ મદદને પાત્ર છે.
ટાટા ગ્રુપે મદદની જાહેરાત કરી, ઘાયલોના તબીબી ખર્ચ પણ ઉઠાવશે
ઈકોનોમિક્સ ટાઈમ્સ અનુસાર, IMA ની અપીલના થોડા કલાકો પછી, એર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કેમ્પબેલ વિલ્સને એક વીડિયો સંદેશમાં જાહેરાત કરી કે ટાટા ગ્રુપ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપશે. ઉપરાંત, ટાટા ગ્રુપ ઘાયલ થયેલા લોકોની તમામ સારવારનો ખર્ચ ઉઠાવશે. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું, "અમે આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાનથી ખૂબ જ દુઃખી છીએ અને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ."
IMA અને તબીબી સમુદાયે ટાટા ગ્રુપની તત્પરતાની પ્રશંસા કરી
IMA અને તબીબી સમુદાયે ટાટા ગ્રુપની સંવેદનશીલતા, ઝડપી પ્રતિભાવ અને જવાબદાર વલણની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. કેમ્પબેલ વિલ્સને કહ્યું કે તેઓ પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સરકારી અધિકારીઓને મળ્યા છે. ઉપરાંત, તેમણે ખાતરી આપી કે એર ઈન્ડિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે અને લાંબા ગાળે પીડિત પરિવારો સાથે જોડાયેલા રહેશે.