અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોના વકરતો જાય છે અને હાલત ખરાબ થતી જાય છે. અમદાવાદમાં હોસ્પિટલોમાં બેડ પણ ઉપલબ્ધ નથી ત્યારે લોકડાઉન લાદવાની અપીલો કરાઈ રહી છે. પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારે તેની પહેલ કરી છે અને આ મોટા વિસ્તારમાં પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત કરાઈ છે.


ગુજરાતના ટોચના અખબારના અહેવાલ પ્રમાણે, આજે શુક્રવારે એટલે કે 16 એપ્રિલથી 20 એપ્રિલ સુદી એટલે કે પાંચ દિવસ માટે સમગ્ર નિકોલ વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવશે. અમદાવાદમાં હાલમાં નાઈટ કરફ્યુ અમલી છે પણ તેના કારમે કોરોનાના કેસો ઘટી નથી રહ્યા.


નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાને રોકવા માટે અત્યારે સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝેશન ખૂબ જરૂરી છે. નિષ્ણાતો દ્વારા સતત  સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝેશનનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે પણ જનતામાં જાગૃતિ આવી નથી રહી.


આ સંજોગોમાં નિકોલ વિસ્તારમાં ઉમિયા વિકાસ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટની પહેલથી પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત કરાઈ છે. આ પહેલાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસનું લોકડાઉન લાદવાની અપીલ કરીને આહવાન કરવામાં આવ્યું હતું કે લોકડાઉન એક માત્ર ઉપાય છે.


સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આહાવાન કરવામાં આવ્યું કે, ” જાન હૈ તો જહાં હૈ”. અમદાવાદમાં  કોરોનાની ચેન તોડવા માટે તારીખ 16 એપ્રિલ થી 20મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાળવાની અપીલ સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. નિકોલ વિસ્તારને મહામારીથી બચાવવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિકોલ વિસ્તારના વેપારીઓ મિત્રો તેમજ દરેક પરિવારના મિત્રોને આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવા માટેની અપીલ કરી હતી.


નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.  


રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.