અમદાવાદ: આજે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લાખો લોકો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવવા વતન પરત ફર્યા છે. દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવાની મજા કઈંક અલગ જ હોય છે. જો કે, બધા લોકોને આ સૌભાગ્ય મળતું નથી. ખાસ કરીને જેલમાં રહેલા કેદીઓ માટે.


જોકે, આ વખતે ગુજરાતના કેટલાક કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં ૭૧ જેલ કેદીઓની જેલ મુકિત દિવાળી પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો માનવી શક્યા છે. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


દિવાળીના તહેવાર પહેલા જેલ મુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ૪૦ કેદીઓ, વડોદરા જેલમાંથી ૧૨, રાજકોટ જેલમાંથી ૪, લાજપોર જેલમાંથી ૮, નડિયાદ જેલમાંથી ૧, જૂનાગઢ જેલમાંથી ૧, ભરૂચ જેલમાંથી ૧, નવસારી જેલમાંથી ૧, મોરબી સબ જેલમાંથી ૧, ગોધરા સબ જેલમાંથી ૨ કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.


હાલમાં દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે. તે બાદ તુરંત જ ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. સામાન્ય રીતે તહેવારના સમયે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદીઓ વેકેશન માણવા બહાર જવાનું પસંદ કરે છે. અત્યારના સમયમાં વિમાન મુસાફરીને વધુ હિતાવહ સમજીને લોકો ફ્લાઇટ્સની ટિકિટ બુક કરતા હોય છે. જેથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જામે છે. આ કારણથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ દ્વારા પેસેન્જર માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.


મુસાફરોને સમયથી વહેલા આવવા કરવામાં આવી અપીલ
આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તહેવારોની સીઝન અને વર્લ્ડ કપની ફાઇનલ મેચ  હોવાથી અમદાવાદ એરપોર્ટ મુસાફરોની ભારે ભીડની અપેક્ષા રાખે છે. જેને કારણે આગામી સપ્તાહ દરમિયાન મુસાફરોની ભારે અવરજવરની શકયતા છે. આથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, એરપોર્ટની કેટલીક ઔપચારિકતા અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમયની ફાળવણી કરે. જેને કારણે જો એરપોર્ટ પર વધુ ભીડ હોય તો પણ સમયસર ફ્લાઇટમાં પહોચી શકાય અને મુસાફરી સારી બની રહે.


મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા
વધુમાં અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી ટીમો અમદાવાદમાં સુરક્ષિત એર હબ સુનિશ્ચિત કરતી વખતે અમારા મુસાફરોની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.