અમદાવાદઃ રિવરફ્રન્ટ પર બે મહિના પહેલા થયેલી યુવતીની હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ પ્રેમીએ ધડાકો થયો છે. પ્રેમીના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ થતાં બંને વચ્ચે મગજ મારી થઈ હતી. એટલું જ નહીં, યુવતીએ પ્રેમીને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. તેમજ પ્રેમસંબંધ ન રાખે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જોકે, આ પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો હતો અને પ્રેમીએ પ્રેમિકાની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. 
 
પ્રેમિકાની હત્યા કરનારા હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંક્યો હતો. અમદાવાદમાં ફરી એક વખત અનૈતિક સંબંધમાં હત્યાનો ખુલાસો થયો છે. બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. 


 


આરોપી હિતેષ શ્રીમાણીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીની હત્યા કરીને મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હતો. પ્રેમિકા તેની સાથે સબંધ રાખવા દબાણ કરતી હતી અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી અને રૂ 10 લાખની માંગણી કરતી હતી. જેથી કંટાળીને આરોપીએ પ્રેમિકાનું કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું અને પ્રેમિકાને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી હતી.


 


પકડાયેલો આરોપી હિતેષ શ્રીમાણી હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને શાહપુરમાં ગાજ બટનની દુકાન ચલાવે છે. આ દુકાનમાં મનીષા ચૌધરી નોકરી કરતી હતી. મનીષાના પતિ હિતેન્દ્ર ચૌધરીના મોત બાદ તેને હિતેષ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 5 વર્ષથી બંને વચ્ચે સબંધ ચાલતો હતો. હિતેષ પરણિત હોવા છતાં મનીષા સાથે સંબંધ રાખતો હોવાથી તેની પત્ની અને મનીષા વચ્ચે ઝઘડા ચાલતા હતા. 


 


આ દરમિયાન હિતેષે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો, જેની જાણ મનીષા ને થતા બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ અને મનીષાએ ધમકી આપતા આરોપીએ હત્યા કરી નાંખી હતી.  ત્રિકોણીય પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. હોમગાર્ડ જવાનને 3 સ્ત્રીઓ સાથે સબંધ રાખવો ભારે પડ્યો અને હત્યા કેસમાં જેલ હવાલે થયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.