અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં હાલમાં અનેક હલચલ જોવા મળી રહી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી વાત સામે આવી છે તો બીજી તરફ આવતીકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે.
મળતી માહિતી પ્રમાણે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક યોજાશે. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા હાજર રહેશે. આ બેઠક અંગે વાત કરીએ તો, યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિના બાબતે ચર્ચા થશે.
આ ઉપરાંત તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે ચર્ચા થશે. આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કાલે સવારે 9.30 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બંધબારણે બેઠક યોજાશે. બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા થશે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા વગેરે દિગ્ગજો હાજર રહેશે.
નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરશે
રાજકોટ: ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે. પાટીદાર આગેવાને ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક બોલાવી છે. સવારે ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાઇૉ. ગુરૂવારે ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓની બેઠક થશે. કાગવડ ખોડલધામ મંદિર ખાતે પત્રકાર પરિષદ કરી નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે તેવી શક્યતા છે.
આ અંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશ પટેલ વડિલોના મતને ધ્યાનમાં રાખીને રાજનીતિમાં નહીં જોડાઈ. નોંધનિય છે કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે એક સર્વે કરાવ્યો હતો. ત્યારે પણ ઘણા વડિલોએ તેમને રાજકારણમાં ન જોડાવાનું સુચન કર્યું હોવાની વાત સામે આવી હતી. જો સત્તાવાર જાહેરાત તો ગુરુવારે જ થશે તેવી માહિતી સામે આવી છે.