Ahmedabad News: અમદાવાદમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, સોલાની આર.કે.ડેરી પ્રોડ્કટમાંથી શંકાસ્પદ પનીર જપ્ત
અમદાવાદના સોલા વિસ્તારમાંથી અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો હતો. આર.કે. ડેરી પ્રોડક્ટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 14 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો.

Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાંથી અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો હતો. આર.કે. ડેરી પ્રોડક્ટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 14 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે વેજલપુરની વિજય ડેરીમાંથી 110 કિલો, નરોડા જીઆઈડીસી વિસ્તારની ક્રિષ્ના ડેરીમાંથી 49 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો. ચાલુ મહિના દરમિયાન લેવામાં આવેલા સેમ્પલમાં પનીર શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.
તો નિકોલ વિસ્તારના બારબેક્યુનેશનમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછુ આવતા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ઠક્કરબાપાનગરની જયકલ્યાણ ફાસ્ટફુડમાં વેજીટેબલ ફેટ ધરાવતુ પનીર મળતા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારની ક્રિષ્ના આલુ પરાઠામાં મિલ્ક ફેટની માત્રા ઓછી આવા સાત હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વેજલપુરની જય ભવાની ભોજનાલય અને સેટેલાઈટ વિસ્તારની મા કી રસોઈ નામના એકમને પણ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરખેજની રિયલ પેપ્રિકા અને અમરાઈવાડીના પીઝાર્ટે એકમને પણ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ખેડાના સિંજીવાડામાં ફૂડ પોઈઝન માટે દૂષિત પાણી જવાબદાર
ખેડાના માતરના સિંજીવાડામાં લગ્ન બાદ ફૂડ પોઈઝન માટે દૂષિત પાણી જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. જિલ્લાના માતરના સિંજીવાડામાં 14 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડવાની ઘટના સામે આવી હતી. આ પ્રસંગમાં હાજર રહેલા મહેમાનો અને ગ્રામજનોએ ભોજન લીધાના થોડા જ સમયમાં ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો 250ને પાર કરી ગયો. ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આગેવાની હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી.
શરૂઆતમાં આ ફૂડ પોઈઝનિંગ પાછળ ભોજનમાં પીરસવામાં આવેલી વાનગીઓ જવાબદાર હોવાનું મનાતું હતું. વિભાગે ગાજરનો હલવો, આઈસ્ક્રીમ અને પીવાના પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ્સને અમદાવાદની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે આ લેબ રિપોર્ટ જાહેર થયો છે. જેમાં ખુલાસો થયો કે આ ઘટના માટે દૂષિત પાણી જવાબદાર છે. જમણવારની વાનગીઓ પણ દૂષિત પાણીથી બનાવવામાં આવી હતી. સૌથી ગંભીર બાબત એ છે પાણીના નમૂનામાં ઈ-કોલાઈ નામના જોખમી બેક્ટેરિયા મળી આવ્યા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈ-કોલાઈ બેક્ટેરિયા ત્યારે જ જોવા મળે છે જ્યારે પીવાના પાણીમાં માનવ મળ કે ગટરના નિકાસનું પાણી ભળતું હોય. આ બેક્ટેરિયા માનવ શરીરમાં પ્રવેશતા જ પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિ સર્જે છે. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, પંચાયત તરફથી અપાતું પાણી શુદ્ધ છે. પરંતુ ગામના પરા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ તરફથી જે લાઈનમાં પાણી આપવામાં આવે છે તેમાં ક્ષતિ છે.























