Gujarat Assembly Elections: મિશન 2022 માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે. નોંધનિય છે કે હજી ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ ત્યાં આપ દ્વારા પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે 20મી ઓગષ્ટ આસપાસ આમ આદમી પાર્ટી ઉમેદવારની બીજી યાદી જાહેર કરી શકે છે. બીજી યાદીમાં આપ 20થી 25 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.
16મીએ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે તે પહેલાં ઉમેદવારની બીજી યાદીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલના આગામી પ્રવાસ બાદ આપ ઉમેદવારની બીજી યાદી જાહેર કરી શકે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે. તે એ વાત પરથી પણ સમજી શકાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ એક પછી એક ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે
મિશન 2022 માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. આગામી 16મી ઓગષ્ટે કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. મળતી માહિતી પ્રમાણે કેજરીવાલ અમરેલી અથવા વાકાનેર વિસ્તારનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ દરમિયાન કેજરીવાલ જનસભાને સંબોધન કરી વધુ એક ગેરેંટી ગુજરાતની પ્રજાને આપી શકે છે. કેજરીવાલ 16 અને 17 એમ બે દિવસ ગુજરાતમાં રોકાઈ તેવી શક્યતા છે. આ પહેલા તેમણે અમદાવાદમાં બહેનો સાથે સંવાદ કર્યો હતો અને મહિલાઓને ગેરેન્ટી આપી હતી. ગુજરાતમાં 18 વર્ષથી મોટી યુવતીઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની ગેરેન્ટી કેજરીવાલે આપી હતી.
કેજરીવાલે અત્યાર સુધી કુલ 5 ગેરન્ટી આપી
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાતની જનતા માટે કુલ 4 ગેરન્ટીઓની જાહેરાત કરી હતી. જેમાં યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી સહિતની યોજનાઓની ગેરન્ટીનો સમાવેશ થાય છે. ત્યારે હવે કેજરીવાલે ગુજરાતની મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવાની યોજનાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી છે. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, "આ 1 હજાર રુપિયા મહિલાને મળશે તો તેને બીજા કોઈની પાસે હાથ ફેલાવવાની જરુર નહીં પડે."
આ પણ વાંચો...