અમદાવાદઃ આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક  વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના ટોચના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપના ટોચના નેતા પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો.


આમ આદમી પાર્ટી(AAP)ના નેતા ગઢવીએ મીડિયા સાથે વાત કરતાં સમય આવ્યે ભાજપને રંગ દેખાડવાનો પણ હુંકાર કર્યો.  સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે મંગળવારે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં ઈસુદાને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમાં ઈસુદાને ભાજપને સમય આવશે ત્યારે જવાબ આપવાનો હુંકાર કર્યો હતો.  


મીડિયા સાથે વાત કરતાં ઈસુદાને કહ્યું કે, આજે પીપર પાન ખરંત, હસંત કૂંપળિયા, મુઝ વિતી તુઝ વિતશે ધીરો ખમ બાપલિયા.  ભાજપ પોતે પણ સમજી લે કે, અત્યારે તો મારે કોઈ કરવા નથી ખેલ, બાકી ભાજપના મોટા નેતા પણ મારા સંપર્કમાં છે. નથી એવું નથી. અને સમય આવ્યે મને લાગ્યું કે, ગુજરાતની જનતા માટે આ ફિટ બેસશે તો ભાજપને રંગ દેખાડીશું. ટાઈગર અભી જિંદા હૈ.


ઈસુદાને ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયા મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈસુદાને પોતાને ખોટી રીતે દારૂના કેસમાં સંડોવી દીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ તો એટલે સુધી બોલી ગયા કે, પાંચ પાંચ લાખમાં શૂટરો મળે છે , મને મરાવી નાંખો.


તેમણે એવો પણ દાવો કર્યો કે, ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે, ઇસુદાનભાઈ હિંમત ન હારતા. આ સમયે તેમણે આપ છોડીને ગયેલા નેતાઓનો વ્યક્તિગત નિર્ણય હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે અત્યાર સુધી પાર્ટીને આપેલા યોગદાન બદલ આભાર માન્યો હતો. આ પહેલાં ઈસુદાન ગઢવીએ રસપ્રદ ટ્વિટ હતી કે, મૈં AAP મેં નહીં હૂં, AAP મુઝમેં હૈ, ટાઈગર અભી જિંદા હૈ....ઈસુદાન ગઢવી.