અમદાવાદઃ ગુજરાતની અગ્રણ્ય ન્યૂઝ ચેનલ abp અસ્મિતા પર 5 માર્ચ, 2021થી રાત્રે 8 કલાકે નવો શૉ 'હું તો બોલીશ' શરૂ થયો છે. આ શૉને શરૂઆતથી જ પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. માત્ર બે જ દિવસમાં લાખો લોકોએ આ શૉ જોયો છે. સોમવારથી શનિવાર સુધી દરરોજ રાત્રે 8 કલાકે આ શૉ પ્રસારિત થશે. શૉના એન્કર રોનક પટેલ  તેમની આગવી શૈલીમાં પ્રેઝન્ટેશન કરે છે. જેના કારણે માત્ર  શૉ બે જ દિવસમાં લાખો લોકોને પસંદ પડી ગયો  છે.


પ્રથમ દિવસે જ ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં કોરોનાની સ્થિતિ તેમજ કોવિડ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓનો વધી રહેલા મૃત્યુઆંક અંગે એબીપી અસ્મિતાએ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો. સૌથી વધુ મૃત્યુ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુરતમાં થતા હોવાનું સામે આવતાં જ ઈન્વેસ્ટિગેટિવ અહેવાલ તૈયાર કરાયો. જે અંતર્ગત સુરતની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલ બહાર એબીપી અસ્મિતાની ટીમે સવા બે કલાક જેટલું રેકોર્ડિંગ કર્યુ તો જોવા મળ્યું કે, માત્ર આટલા સમયગાળામાં 14 મૃતકોના શબ કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અહીંથી નીકળ્યા. આવા જ દ્રશ્યો રાજકોટ અને અમદાવાદમાં જોવા મળ્યા. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે કોવિડની સારવાર દરમિયાન મૃત્યુ પામનારાની સંખ્યા સતત વધી રહી હતી. સૌથી વધુ મૃત્યુ સુરતમાં થતું હોવાનું સામે આવતાં જ આ મુદ્દે હું તો બોલીશ કાર્યક્રમમાં તાદ્રશ્ય અહેવાલ રજૂ કરાયો અને સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને સવાલ પણ પૂછ્યા. અહેવાલ રજૂ કરવા પાછળનો હેતુ પણ સરકાર સુધી સાચી હકીકત પહોંચાડવાનો હતો અને સુરત જેવા મહાનગરમાં સ્થિતિનો સાચો ચિતાર રજૂ કરવાનો હતો.


અહેવાલ પ્રસારિત કરાયાના બીજા જ  દિવસે એટલે કે મંગળવારે સવારે ગાંધીનગરથી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરત પહોંચ્યા અને સુરતની સિવિલ હોસ્પિટલના સત્તાધીશ તેમજ સ્થાનિક પ્રશાસનિક અધિકારી સાથે સમીક્ષા બેઠક યોજાઈ. એટલું જ નહીં નવસારી જિલ્લાના દાંડીના કાર્યક્રમ બાદ ખુદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચ્યા. મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવી આરોગ્યની સુવિધાઓ વધારવાની ખાત્રી પણ આપી. 'હું તો બોલીશ' કાર્યક્રમનો હેતુ કોઈ પણ મુદ્દે મૌન રહેવાના સ્થાને તેને પુરાવા સાથે રજૂ કરી સરકાર અથવા તો જે તે જવાબદાર વ્યક્તિ કે ઓથોરિટી સુધી પહોંચાડવાનો છે. પહેલા જ દિવસની રજૂઆતમાં જ તેની સકારાત્મક અસર જોવા મળી.


આ પહેલાં પણ એબીપી અસ્મિતા આ પ્રકારના શો કરી ચૂક્યું છે. જેને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે.