અમદાવાદ: અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે નેતાઓ, આઇપીએસ અધિકારી અને સમાજના અગ્રણી અને નામચીન હોય તેવા વ્યક્તિઓને ફેસબુક પર આઈડી બનાવી છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ કરી છે. સૌથી મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે ઝડપાયેલ આરોપી સોશિયલ મીડિયામાં સૌથી વધુ પ્રચલિત હોય અને ટ્રેડિંગમાં હોય એવા જ નેતા કે અધિકારીના ફેક આઇડી બનાવી લોકો પાસે પૈસા પડાવતો. 


આરોપીએ હાલના અમદાવાદના વેજલપુર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય અમિત ઠાકર અને જમાલપુર બેઠક પર પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નામ વટાવીને સોશિયલ મીડિયા પર પૈસાને ઉઘરાણી કરી હતી. મોટી વાત એ છે કે ધારાસભ્ય અમિત ઠાકરના નામ અને ફોટોનો ઉપયોગ કરીને નટરાજ કંપનીમાં ઘરે બેઠા કામ કરે તેવા માણસની જરૂર છે, તેવા લખાણની પોસ્ટ મૂકી લોકોને લોભામણી લાલચ આપી પૈસા પડાવવામાં આવતાં. 


ગુજરાતના IPS અધિકારીઓ અને રાજનેતાઓના સહિત 47 લોકોના ફેક આઇડી બનાવી પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઈમે રાજસ્થાનમાંથી ઝડપી પાડયા છે. સાથે પોલીસે અન્ય શકમંદ વ્યક્તિની પણ અટક કરી છે. સૌથી મોટી વાત એ છે કે ઝડપાયેલ આરોપી સરમીન ઉર્ફે કલ્લુ માત્ર નવ ધોરણ ભણેલો છે, જે અમદાવાદ અને ગુજરાતના આઈપીએસ અધિકારીઓ જેમાં સફીન હસન,હરેશ દુધાત, બ્રજેશ કુમાર ઝા, લવિના સિંહા,તરુણ બારોટ તથા અન્ય પીઆઈ અને PSIના ફેક આઇડી તથા અમદાવાદના ધારાસભ્ય અમિત શાહ,પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત કેટલાક રાજનેતા એમ કુલ 47 ફેંક આઇડી મળી આવ્યા છે. 


આરોપી સોશિયલ મીડિયા પર જે વ્યક્તિ વધારે હિટ હોય તેના ફોટા ડાઉનલોડ કરી ફેક આઈડી બનાવતો અથવા તો અલગ-અલગ નામની ફેક આઈડી બનાવીને રાજનેતા અને અધિકારીઓના ફોટાનો ઉપયોગ કરી લોકોને લોભ, લાલચ આપી ને ફસાવી પૈસા પડાવતો હતો.   


સોશિયલ મીડિયામાં અનેક લોકોના ફેક આઇડી બનાવી પૈસા માંગવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સાઈબર ક્રાઈમ કરનારા આરોપીઓ જાણીતા લોકોના ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસેથી પૈસાની માંગણી કરતા હોય છે.  જેમાં અધિકારીઓ અને રાજનેતાઓ પણ ભોગ બની ચૂક્યા છે. રાજસ્થાનથી ઝડપાયેલા આ આરોપીએ  ગુજરાતના IPS અધિકારીઓ અને રાજનેતાઓના સહિત 47 લોકોના ફેક આઇડી બનાવ્યા હતા.  પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઈમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.