અમદાવાદ: હાલમાં દિવાળીના તહેવારોની મોસમ ચાલી રહી છે. તે બાદ તુરંત જ ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. સામાન્ય રીતે તહેવારના સમયે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદીઓ વેકેશન માણવા બહાર જવાનું પસંદ કરે છે. અત્યારના સમયમાં વિમાન મુસાફરીને વધુ હિતાવહ સમજીને લોકો ફ્લાઇટ્સની ટિકિટ બુક કરતા હોય છે. જેથી એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જામે છે. આ કારણથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ દ્વારા પેસેન્જર માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
મુસાફરોને સમયથી વહેલા આવવા કરવામાં આવી અપીલ
આ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તહેવારોની સીઝન અને વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોવાથી અમદાવાદ એરપોર્ટ મુસાફરોની ભારે ભીડની અપેક્ષા રાખે છે. જેને કારણે આગામી સપ્તાહ દરમિયાન મુસાફરોની ભારે અવરજવરની શકયતા છે. આથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, એરપોર્ટની કેટલીક ઔપચારિકતા અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમયની ફાળવણી કરે. જેને કારણે જો એરપોર્ટ પર વધુ ભીડ હોય તો પણ સમયસર ફ્લાઇટમાં પહોચી શકાય અને મુસાફરી સારી બની રહે.
મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા
વધુમાં અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારી ટીમો અમદાવાદમાં સુરક્ષિત એર હબ સુનિશ્ચિત કરતી વખતે અમારા મુસાફરોની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.
તહેવારોની ભીડને સંભાળવામાં તેના નબળા પ્રદર્શન માટે ભારતીય રેલ્વે ફરી એકવાર ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. કારણ કે દિવાળી પહેલા વતન જતા મુસાફરોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર ખીચોખીચ ભરેલી ટ્રેનો અને મોટી ભીડ જોઈ શકાય છે. ભીડને કારણે ઘણા મુસાફરો ફસાયેલા છે અને તેમના ગંતવ્ય સુધી પહોંચી શકતા નથી.
એક મુસાફરે એક વીડિયો શેર કર્યો છે તેણે એમ પણ કહ્યું કે ભીડને કારણે તેના જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) વડોદરાને ટેગ કરતા વ્યક્તિએ લખ્યું, 'ભારતીય રેલ્વેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે. મારી દિવાળી બરબાદ કરવા બદલ આભાર. જો તમારી પાસે કન્ફર્મ થર્ડ એસી ટિકિટ હોય તો પણ તમને તે જ મળશે તે જરૂરી નથી. પોલીસ તરફથી કોઈ મદદ મળી નથી. મારા જેવા ઘણા લોકો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. મને કુલ રૂ. 1173.95 રિફંડ જોઈએ છે.