Ahmedabad AMC action: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા જાહેર સલામતી અને નિયમોના પાલન મુદ્દે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વિના ગેરકાયદેસર રીતે ધમધમતી કુલ 9 જેટલી હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ હોસ્પિટલ સંચાલકોને અગાઉ 3 વખત નોટિસ અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં બાંધકામ નિયમિત ન કરાવતા આખરે તંત્રએ લાલ આંખ કરી છે. આ કાર્યવાહીમાં મલ્ટી સ્પેશિયાલિટી અને નર્સિંગ હોમ્સનો પણ સમાવેશ થાય છે.

Continues below advertisement

વારંવારની ચેતવણી બાદ તંત્રની કડક કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation - AMC) દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારે એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરીજનોના સ્વાસ્થ્ય અને સલામતી સાથે ચેડાં કરતી હોસ્પિટલો સામે આકરા પગલાં લેવાયા છે. તંત્રના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલો પાસે માન્ય BU પરમિશન ન હતી. તેમને ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022) અંતર્ગત બાંધકામ નિયમિત કરાવવા માટે પણ તક આપવામાં આવી હતી.

Continues below advertisement

પુરાવા રજૂ કરવામાં સંચાલકો નિષ્ફળ

કોર્પોરેશન દ્વારા 3 વખત નોટિસ પાઠવવા છતાં, હોસ્પિટલના સંચાલકોએ ગંભીરતા દાખવી ન હતી. જ્યારે અધિકારીઓએ તપાસ કરી ત્યારે સંચાલકો વપરાશની પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવ્યાના કોઈ પણ અધિકૃત દસ્તાવેજો કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવો એ ગંભીર બેદરકારી હોવાથી, AMC એ તાત્કાલિક અસરથી આ મિલકતોને સીલ મારી દીધું છે.

કયા વિસ્તારોમાં ત્રાટક્યું AMC?

આ કાર્યવાહીમાં શહેરના પોશ અને વિકસતા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સાઉથ બોપલ, જુહાપુરા, સરખેજ, મકતમપુરા, જોધપુર અને સિંધુભવન રોડ વિસ્તારનો સમાવેશ થાય છે. સીલ કરાયેલી હોસ્પિટલોમાં ઓર્થોપેડિક, મેટરનિટી હોમ અને ચિલ્ડ્રન હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે.

AMC દ્વારા સીલ કરવામાં આવેલી 9 હોસ્પિટલોનું લિસ્ટ

  1. દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ (સરખેજ)
  2. મુસ્કાન મેટરનીટી હોમ (મક્તમપુરા)
  3. નૌશીન હોસ્પિટલ (મક્તમપુરા)
  4. રિયાઝ હોસ્પિટલ (મક્તમપુરા)
  5. હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ (મક્તમપુરા)
  6. સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ (સિંધુભવન રોડ)
  7. દ્વારિકા હોસ્પિટલ (સિંધુભવન રોડ)
  8. મમતા હોસ્પિટલ (જોધપુર)
  9. આસના ઓર્થોપેડીક હોસ્પિટલ (જોધપુર)