અમદાવાદ: કોરોના મહામારીના કારણે રાજ્યભરના મોટાભાગના ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાયા હતા. ત્યારે હવે લાંબા સમયથી ભક્તોના દર્શન માટે બંધ રહેલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 248 દિવસ બાદ આજથી ફરી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં મળેલી આર્મી ઓફિસર અને મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં કેમ્પના હનુમાન મંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરના દ્વાર ખોલવા મામલે ટ્રસ્ટી અને આર્મી તરફથી મંજૂરી મળી ગઈ છે. લાંબા સમય બાદ કેમ્પના ખોલવાનો નિર્ણય લેવતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.


સોમવારથી કોવિડ-1 9ની ગાઈડલાઈન્સ અનુસાર મંદિર ખોલવામાં આવશે. કેમ્પસમાં એક જ સમયે માત્ર 200 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર ટ્રસ્ટ તરફથી ગાઈડલાઈન્સના પાલન માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું છે. આ સિવાય થર્મલ ગનથી ચેકીંગ અને સેનિટાઈઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કેમ્પ હનુમાન મંદિર અમદાવાદ શહેરનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગતી હોય છે, પણ કોરોના સંક્રમણના કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.