અમદાવાદઃ કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારે ટિકીટ મેળવતા પહેલા પક્ષ નહીં છોડે તેવી બાંહેધરી આપવી પડશે. ઉપરાંત જે લોકો ઉમેદવારની ભલામણ કરે તેમણે પણ આ બાબતે જામીન બનવું પડશે. ઉમેદવાર જે સમાજમાંથી આવે છે તે સમાજના આગેવાનોએ પણ જીત્યા બાદ ઉમેદવાર કોંગ્રેસ નહીં છોડે તેવી ગેરેન્ટી આપવી પડશે.


પરિણામ બાદ તૂટતી કોંગ્રેસને બચાવવા માટે ઉમેદવાર પસંદગીના ધારાધોરણમાં આ નિયમ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ઉમેદવારોને ટિકિટને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદન આપ્યું છે કે, ભાજપથી આવેલ કોઈ પણ આગેવાનને કોંગ્રેસ કોર્પોરેશન ચૂંટણીનો ઉમેદવાર નહીં બનાવે.

તેમણે દાવો કર્યો હતો કે, ભાજપથી નારાજ બાગી સ્થાનિક નેતાઓ કોંગ્રેસ તરફથી ટિકિટની માંગણી કરી રહ્યા છે. ભાજપથી નારાજ આગેવાનો પાંચ વર્ષ કોંગ્રેસ માટે કાર્ય કર્યા બાદ જ ટિકિટ મેળવી શકશે, તેમ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું.