અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) બનેલા અમદાવાદ (Ahmedabad) માટે રાહતના સમાચાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનો ડોમ ઉપરના આરોગ્ય કર્મચારીઓ પણ સ્વીકાર કરી રહ્યા છે. શહેરના લો ગાર્ડન ખાતે ઉભા કરવામાં આવેલા ડોમમાં સવારથી 31 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 3 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા.


ડોમ ઉપરના આરોગ્ય કર્મચારીઓના કહેવા મુજબ 50 કીટ આપવામાં આવે છે. કિટ પૂર્ણ થતાં ટેસ્ટ માટે બીજી ટીમ આવે છે. ગત સપ્તાહે 70 ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી 45 દર્દીઓ પોઝિટિવ આવતા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ સતત બીજા દિવસે 5 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં  ૪ હજાર ૬૧૬ અને ગ્રામ્યમાં 55 કેસ સાથે કુલ 4,671 કેસ નોંધાયા છે. સાથે જ 3 હજાર 952 લોકોએ કોરોનાને મ્હાત આપતા તેમને રજા આપવામાં આવી છે.


અગાઉ સતત દસ દિવસ 5 હજારથી વધુ કેસ નોંધાયા હતા. પરંતુ હવે દૈનિક કેસનો આંક પાંચ હજારની નીચે આવ્યો છે અને અમદાવાદમાં કુલ કેસનો આંક ૧ લાખ ૭૪ હજાર ૯૯૪એ પહોંચ્યો છે. જ્યારે સોમવારે વધુ ૨૫ લોકોના મોત થતાં અત્યાર સુધી કુલ ૨ હજાર ૯૧૯ લોકોના મરણ થયા છે. જો કે રાહતની વાત તે છે કે અત્યાર સુધી ૧ લાખ ૪ હજાર ૨૮૫  લોકો કોરોના મુકત થયા છે.


અમદાવાદમાં કોરોનાના કેસ ઘટવાની સાથે માઈક્રો કન્ટેઈન્મેટ ઝોનમાં પણ ઘટાડો થયો છે. વટવા, પાલડી, ગોતા અને ઘાટલોડિયામાં કુલ 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જ્યારે મણિનગર, ખોખરા, કુબેરનગર, દાણીલીમડા, ઈસનપુર, ભાઈપુરા, રાણીપ અને બોડકદેવના 14 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે. અમદાવાદ શહેરમાં હાલ 247 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.