અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વકર્યો છે. દેશમાં કોરોનો ફેલાતો અટકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલાં જનતા કરફ્યુને આજે એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે. અમદાવાદ શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ રવિવારે નોંધાવા પામ્યા છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 443 કેસ નોંધાવા ઉપરાંત કોરોના સંક્રમિત ત્રણ દર્દીના મોત થયા છે. બે દિવસમાં શહેરમાં કુલ મળીને કોરોનાના કુલ 844 કેસ નોંધાયા છે.હાલની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધીને 995 ઉપર પહોંચી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર્ષે માર્ચ મહિનામાં શહેરમાં કોરોના સંક્રમણ શરૂ થયા બાદ શનિવારે 401 કેસ નોંધાયા હતા.રવિવારે આ આંકથી પણ વધુ કોરોનાના કુલ 443 નવા કેસ નોંધાવા પામ્યા છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 62733 કેસ નોંધાવા પામ્યા છે.


રવિવારે કોરોનાની સારવારમાંથી કુલ 291 દર્દીઓને રજા આપવામાં આવી છે.આમ ગત વર્ષથી અત્યાર સુધીમાં કોરોનાની સારવારમાંથી કુલ 59311 લોકો સાજા થયા છે.રવિવારે ત્રણ સંક્રમિત દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં શહેરમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2278 લોકોનાં મરણ થયા છે.


અમદાવાદમાં સતત વધી રહેલાં કોરોનાના કેસની સંખ્યાની વચ્ચે એકિટવ કેસની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.શહેરમાં શનિવારે કોરોનાના એકિટવ કેસની સંખ્યા 866 હતી.જે વધીને રવિવારે 995 ઉપર પહોંચવા પામી હોવાનું મ્યુનિ.તંત્રના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 989  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90  ટકા પર પહોંચ્યો છે. હાલ 7321  એક્ટિવ કેસ છે, જેમાંથી 71   લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 30,48,462  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,96,893 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,16,439 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.