અમદાવાદઃ આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. જોકે, જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.
સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કર્ફ્યૂ લાગશે એટલે કે સોમવારથી રાત્રી કરફ્યૂ અમદાવાદમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી અમલી રહેશે.
અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 60 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.
જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં બે દિવસ જનતા કર્ફ્યૂને પગલે લોકોમાં ફફડાટ, સામાન ખરીદવા પડાપડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2020 09:56 AM (IST)
જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -