Ahmedabad School Incident: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી 'દુર્ગા સ્કૂલ'માં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના શિસ્ત અને દેખરેખ સામે સવાલો ઉભા કરતી આ ઘટનામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના જ સહધ્યાયીની પાણીની બોટલમાં 'ડામરની ગોળી' (નેપ્થલીન બોલ) નાખી દીધી હતી. આ કૃત્ય બાદ સમગ્ર શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે અને બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

આ સમગ્ર ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં વિદ્યાર્થી આ જોખમી હરકત કરતો સ્પષ્ટ દેખાયો હતો. જ્યારે ભોગ બનનાર વિદ્યાર્થીએ પોતાની બોટલમાંથી પાણી પીધું, ત્યારે તેને પાણીમાં વિચિત્ર અને તીવ્ર ગંધ આવતા તે ગભરાઈ ગયો હતો. તેણે સમયસૂચકતા વાપરી તુરંત આ બાબતની જાણ વર્ગશિક્ષકને કરી હતી. શિક્ષકોએ તપાસ કરતા બોટલમાંથી ઝેરી ગણી શકાય તેવી ડામરની ગોળી મળી આવતા શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની ગંભીરતાને જોતા શાળા સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓને જાણ કરી હતી અને સાવચેતીના પગલે બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ત્યારબાદ ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીના વાલીઓને પણ શાળાએ તેડાવવામાં આવ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જવાબદાર વિદ્યાર્થીના વાલીઓએ શિસ્તભંગના આ કૃત્યને ગંભીરતાથી લેવાને બદલે એવો બચાવ કર્યો હતો કે બાળકથી આ ભૂલ અજાણતામાં થઈ ગઈ છે.

Continues below advertisement

Continues below advertisement

આ મામલામાં સૌથી વધુ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે શાળા સંચાલકોએ આ ગંભીર બેદરકારીને બહાર આવતા અટકાવવા અને મામલો દબાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. પરંતુ આ ઘટનાની વિગતો બહાર આવતા જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) તુરંત હરકતમાં આવ્યા હતા. DEO એ આ મામલે શાળાની બેદરકારી બદલ લાલ આંખ કરી છે અને કોઈ પણ પ્રકારની કૂણી લાગણી રાખ્યા વગર કડક વલણ અપનાવ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ દુર્ગા સ્કૂલના સંચાલકોને કડક ઠપકો આપતા કારણદર્શક નોટિસ ફટકારી છે અને વહીવટી ક્ષતિઓ બદલ ₹10,000 નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં આવી કોઈ જીવલેણ ઘટના ન બને તે માટે શહેરની તમામ શાળાઓને વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની સમયાંતરે અને નિયમિતપણે તપાસ કરવા માટેની કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ આદેશનો હેતુ વિદ્યાર્થીઓને જોખમી વસ્તુઓ શાળામાં લાવતા અટકાવવાનો છે.

આ ઘટનાના પડઘા રાજ્યના સચિવાલય સુધી પડ્યા છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે શાળાઓમાં બાળકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. મંત્રીએ ખાતરી આપી છે કે તપાસ સમિતિનો અહેવાલ આવ્યા બાદ જો શાળાની કોઈ વધુ બેદરકારી જણાશે તો તેની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં પણ લેવામાં આવશે.