અમદાવાદમાં મણિનગર પોલીસ સ્ટેશન નજીક યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરની કારે બે વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત સમયે વિશાલ દારૂના નશામાં હોવાનો લોકોએ આરોપ લગાવ્યો હતો. સાથે જ સ્થળ પર હાજર લોકોએ વિશાલને મેથીપાક આપી અને પોલીસને સોંપ્યો હતો. કારના કાચ પર બ્લેક ફિલ્મ અને NSUI લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વિશાલ ગુર્જરની ધરપકડ કરી હતી. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ વિશાલને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો હતો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે મણિનગર પોલીસ સ્ટેશન પાસે સીટી કોર્નર હોટલની બાજુમાં રાતે એક વર્ના ગાડીએ બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા. જ્યારે એક્ટિવા નીચે પડતા નુકસાન થયું હતું. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થયા હતા. લોકોએ અકસ્માત કરનાર વિશાલને ગાડીમાંથી બહાર કાઢ્યો ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં કારમાં આગળની તરફ NSUIની પ્લેટ પણ લાગેલી હતી. વિશાલ ગુર્જરને લોકોએ ગાડીમાંથી બહાર કાઢીને મેથીપાક આપ્યો હતો. 

બીજી તરફ વડોદરામાં પણ રફતારનો કહેર જોવા મળ્યો હતો. લકડીપુલ નજીક બાઈક ચાલકે બે યુવતીને ટક્કર મારી હતી. એક યુવતીની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. 

Continues below advertisement
Continues below advertisement

અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત

અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાતના સમયે આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ગંભીર દુર્ઘટના બની હતી. એક બાળક સહિત 3 પરપ્રાંતીયોના ઘટનાસ્થળે મોત થયા હતા. એક બાઈક પર ચાર પરપ્રાંતીયો જઈ રહ્યા હતા ત્યારે  આઇશર ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર એક બાળક સહિત 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્તને લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.  મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તેમજ ઓળખ અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. 

આ દુર્ઘટનામાં 2 યુવાનો અને માત્ર 6 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકો ઢાંગલા ગામના કાંતિ ગોબર વિરડીયાની વાડીએ ભાગ્યા તરીકે કામ કરતા પરપ્રાંતીય ખેતમજૂરો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 

અમરેલીમાં બીજી એક દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અમરેલીમાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. નોકરીથી ઘરે પરત ફરતા બે યુવકોને અકસ્માત નડ્યો હતો. નાગેશ્રી ગામના બે યુવકોના અકસ્માતમાં મોત થયા હતા. 

સુરતમાં બે અકસ્માત

સુરતના ઉધનામાં BRTS રૂટમાં ટેમ્પા અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. પ્રતિબંધ છતા BRTS રૂટમાં ચાલકે ટેમ્પો હંકારી અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ટેમ્પા ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં BRTS બસને પણ નુકસાન થયું છે.  સુરતમાં બીજી એક દુર્ઘટનામાં SMCના ડમ્પરે એક વ્યક્તિનો ભોગ  લીધો હતો. ઉધના વિનાયક નગર પર SMCના ડમ્પરની અડફેટે મોપેડ ચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.