Ahmedabad Love Jihad: અમદાવાદમાં ફરી એકવાર લવ જેહાદના કિસ્સાને લઇ માહોલ ગરમાયો છે, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં આજે હિન્દુ યુવતીના લઘુમતી યુવાન સાથે લગ્ન પ્રક્રિયાને લઇને હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો દાવો છે કે, લવ જેહાદના કિસ્સામાં બંધ બારણે લગ્નો પ્રયાસ થઇ રહ્યો છે, આ મામલે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાશે. લવ જેહાદમાં યુવક સલમાન મનસુરી કઠવાડાનો રહેવાસી છે. આ કેસમાં એમ.એમ.સૈયદ મુસ્લિમ હોવાથી લગ્ન કરાવે છે. દીકરીના માતા પિતાને કોઇપણ વાતની જાણ કરવામાં આવી નથી. લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આજે અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર ઓફિસમાં આ હોબાળો થયો હતો. લવ જેહાદના આ કેસમાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા જ હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. વિરોધ કરી રહેલા પરિવારજનો અને સંગઠનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે રજીસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને આ પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ પણ લગાવાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદનો આરોપ લગાવાઈ રહ્યો છે. લગ્ન કરવા આવેલી યુવતી વકીલના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી, જેને જોઈને ત્યાં હાજર અન્ય વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવતીએ નરોડાના સલમાન મન્સૂરી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આને 'લવ જેહાદ' ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
