અમદાવાદઃ શહેરના ગોતામાં આવેલા રોયલ હોમ્સમાં એમબીએ થયેલી નિકિતાએ સાસુની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પોતાની સાસુની ક્રૂર હત્યા કરનારી નિકિતા અગ્રવાલની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં નિકિતા બે મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેના પેટમાં રહેલા ગર્ભને લઈને પણ સાસુ-વહુ વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે.
નિકિતા અગ્રવાલની સાસુ રેખાબેન વહુ અને સસરા પર આડા સંબંધના આક્ષેપ કરતી હતી. નિકિતાને પેટમાં જે ગર્ભ છે તે તેના પતિનો નહીં પણ સસરાનો છે તેવા આક્ષેપ સાસુ રેખાબેન કરતી હતી. આ વાતને લઈને અવાર-નવાર બોલાચાલી પણ થતી હતી. આ તમામ બાબતોનો ખુલાસો નિકિતાએ પોલીસ તપાસમાં કર્યો છે.
આ હત્યાકાંડની વિગતો એવી છે કે, ગોતામાં આવેલા રોયલ્સ હોમ્સમાં 103ના મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે પડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહિ અને અચાનક અવાજ શાંત પડી ગયો. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદરની બાજુ તો સામાન્ય કકળાટે ખુની રૂપ ધારણ કર્યો હતો. પુત્રવધૂએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવવાના પ્રયાસ પણ કર્યા હતા. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતા. હત્યા કર્યા બાદ નિકિતા પોતાનાના રૂમ માં બંધ થઈ ગઈ હતી. રૂમમાં અંદરથી લોક થઈ ગઇ હોવાનું કહીને લગભગ અઢી કલાક સુધી પતિ દીપક માટે દરવાજો પણ નહોતો ખોલ્યો. અંતે પતિ દીપક ઘરની બાલ્કનીમાં સીડી લગાવીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને પોતાની માની લોહીલુહાણ લાશ જોઈ અને સમગ્ર હકીકત સામે આવી.
આ પરિવાર મૂળ રાજેસ્થાનનો છે. અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહેતા હતા. 10 મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહોતા દેતા. નિકિતાના સસરા કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને પતિ કોઈ કામથી ઘરે નહોતો. તેવામાં જ્યારે બંને ઘરે એકલા હતા ત્યારે ફરીવાર તકરાર થતાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી. નિકિતા 2 મહિનાની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ હત્યા સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણ છે, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ હત્યારી નિકિતાના પેટમાં કોનું બાળક હોવાનો સાસુ રેખાબેને લગાવ્યો હતો આક્ષેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Oct 2020 03:46 PM (IST)
સાસુ રેખાબેન વહુ અને સસરા પર આડા સંબંધના આક્ષેપ કરતી હતી. નિકિતાને પેટમાં જે ગર્ભ છે તે તેના પતિનો નહીં પણ સસરાનો છે તેવા આક્ષેપ સાસુ રેખાબેન કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -