Ahmedabad: ઓઢવ સ્મશાન ગૃહમાં ના જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટાયર અને ગોદડાથી સળગાવવો પડ્યો
Ahmedabad: અમદાવાદના ઓઢવામાં એક પરિવારે ટાયર અને ગોદડા બાળીને પોતાના પરિવારના મૃતકની અંતિમ સંસ્કારવિધિ કરી છે

Ahmedabad: માનવનું મૃત્યુ એક સત્ય છે, પરંતુ જ્યારે મૃત્યુ થાય છે તે બાદ વિધિ વિધાન સાથે અંતિમ ક્રિયા કરવામાં આવે છે, અને મોતનો મલાજો જાળવવામાં આવે છે. પરંતુ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક હ્રદયદ્રવક ઘટના સામે આવી છે, અહીં સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ગયેલા પરિવારને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા જ ના મળ્યા, અને જે હતા તે ભીના હતો, છેવટે પરિવારે ખુદના 8 હજાર રૂપિયા ખર્ચે ઘી અને તલ લાવ્યા અને ટાયર અને ગોદડુ બાળીને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો પડ્યો. આ ઘટનાને લઇને ઓઢવ સ્મશાનના કૉન્ટ્રાક્ટર અને એએમસી પર લોકો ગુસ્સે ભરાયા છે. હાલમાં એએમસીએ કૉન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
સ્માર્ટ સિટીના બણગા ફૂંકતા અમદાવાદ કોર્પોરેશનની એક ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદના ઓઢવામાં એક પરિવારે ટાયર અને ગોદડા બાળીને પોતાના પરિવારના મૃતકની અંતિમ સંસ્કારવિધિ કરી છે. ખરેખરમાં સ્મશાનગૃહમાં લાકડાનો અભાવ હોવાને કારણે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, સ્મશાનગૃહ તરફથી આપવામાં આવેલા લાકડાં ભીના હોવાથી તે સળગ્યાં જ નહીં. પરિસ્થિતિ એવી બની કે, અંતે સ્વજનોએ 8 થી 9 ટાયર અને ગોદડાનો સહારો લઈ અંતિમવિધિ પૂર્ણ કરવી પડી, એટલું જ નહીં પરિવારજનોએ અંતિમ સંસ્કાર વિધિ માટે 8 હજાર રૂપિયા ખુદના ખર્ચીને ઘી અને તલ લાવ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન પણ યોગ્ય વ્યવસ્થા ન મળી શકી.
સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટર તથા સંચાલન તંત્ર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ સિટીની યોજનાઓ અમલમાં આવી રહી છે, પરંતુ જીવનના અંતિમ પડાવ પર પણ નાગરિકોને સુવિધાઓ ન મળવી એ શરમજનક બાબત છે. ઓઢવ સ્મશાન ગૃહમાં બનેલી આ ઘટનાને લઈ એએમલીએ તપાસના આદેશ આપ્યા છે, મનહર સોલંકી નામના કોંટ્રાક્ટરને આ સ્મશાનની કામગીરી સોંપાઇ છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તાત્કાલિક આ મામલાની તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે.




















