અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હતું. આ ઘટના ડી-માર્ટ પાસે ઉભી રહેતી પાણીપુરીની લારી પર બની હતી.
પાણીપુરીના શોખીનો ચેતી જજો! અમદાવાદમાં પકોડીમાંથી નીકળ્યું હાડકું, લારી જપ્ત કરી ફટકાર્યો દંડ
Ahmedabad panipuri bone viral video: રાણીપ વિસ્તારમાં યુવતીએ પાણીપુરીમાં હાડકું હોવાનો વીડિયો વાયરલ કરતા AMCના ફૂડ વિભાગે આકરી કાર્યવાહી કરી.

- અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળવાનો વીડિયો વાયરલ થયો.
- શરૂઆતમાં વાળ નીકળ્યો, પછી યુવતીને હાડકું મળ્યું.
- લારીધારકે લાકડાનું બહાનું બનાવ્યું, પણ પકડાઈ ગયો.
- AMC એ લારી જપ્ત કરી, 10,000 રૂપિયા દંડ ફટકાર્યો.
Ahmedabad panipuri bone viral video: જો તમને પણ બહારની પાણીપુરી ખાવાનો ભારે શોખ હોય, તો હવે ચેતી જજો! અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડી-માર્ટ પાસે ઉભી રહેતી પાણીપુરીની લારી પર આ બનાવ બન્યો હતો. યુવતીએ રોષે ભરાઈને આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા બાદ, AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના ફૂડ અને એસ્ટેટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને લારી જપ્ત કરી લીધી છે અને લારીધારકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પહેલા વાળ નીકળ્યો અને પછી છેલ્લે હાડકું!
મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ એક યુવતી પોતાની માતા સાથે રાણીપ BRTS બસ સ્ટેન્ડની સામે આવેલી 'ક્રિષ્ના ભેળ પકોડી' ની લારી પર પાણીપુરી ખાવા ગઈ હતી.
યુવતીએ વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ તેની માતાની પાણીપુરીમાંથી એક વાળ નીકળ્યો હતો.
કોઈ ગરીબનો ધંધો ન બગડે તેવું વિચારીને તેમણે એ વાત જતી કરી હતી.
પરંતુ આ તેમની મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે જ્યારે યુવતી પોતાના બાઉલની છેલ્લી પાણીપુરી ખાઈ રહી હતી, ત્યારે તેમાંથી એક કઠણ વસ્તુ નીકળી, જે ખરેખર એક હાડકું હતું.
લાકડું હોવાનું બહાનું કાઢ્યું, પણ પકડાઈ ગયો
પાણીપુરીમાંથી હાડકું નીકળતા યુવતી ચોંકી ગઈ અને તેણે તરત જ લારીવાળાને આ અંગે ફરિયાદ કરી.
પોતાનો બચાવ કરતા લારીવાળાએ બહાનું બનાવ્યું કે આ હાડકું નથી, પણ મસાલાનું લાકડું છે.
યુવતીએ ત્યાં ઉભેલા અન્ય 4 ગ્રાહકોને પણ તે વસ્તુ બતાવી અને સૌએ તે હાડકું જ હોવાનું કીધું.
આખરે જ્યારે લારીવાળાને તે કથિત 'લાકડું' કાપીને બતાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તે ન કપાતા લારીવાળાને પણ અહેસાસ થયો કે આ લાકડું નહીં પણ હાડકું જ છે.
ભાંડો ફૂટી જતાં તેણે યુવતીની માફી માંગતા કહ્યું કે, "અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ છે."
AMC ની કડક કાર્યવાહી
પોતાની જિંદગીમાં ક્યારેય નોન-વેજ ન ખાનાર યુવતી માટે આ ઘટના ખૂબ આઘાતજનક હતી. તેણે સવાલ ઉઠાવ્યો કે, "હવે લારીવાળો માત્ર સોરી-સોરી કહે છે, પણ આમાં અમે કંઈ જ ન કરી શકીએ. આનો જવાબદાર કોણ?" આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થતાં AMC નું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા અને ગંભીર બેદરકારી દાખવવા બદલ તંત્રએ 'ક્રિષ્ના ભેળ પકોડી' વાળાની લારી જપ્ત કરી લીધી અને 10,000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
Frequently Asked Questions
અમદાવાદમાં પાણીપુરીમાંથી શું નીકળ્યું?
આ ઘટના પછી AMC દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી?
AMCના ફૂડ અને એસ્ટેટ વિભાગે લારી જપ્ત કરી લીધી અને લારીધારકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ આ પગલાં લેવાયા.
શું પાણીપુરીમાંથી પહેલા પણ કંઇક નીકળ્યું હતું?
હા, યુવતીની માતાની પાણીપુરીમાંથી શરૂઆતમાં વાળ નીકળ્યો હતો. જોકે, તેમણે તે સમયે વાત જવા દીધી હતી.
પાણીપુરીવાળાએ હાડકાને શું બહાનું આપ્યું હતું?
પાણીપુરીવાળાએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે હાડકું નથી, પણ મસાલાનું લાકડું છે. જોકે, પુરાવા મળતા તેનું બહાનું પકડાઈ ગયું.






















