અમદાવાદઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને કોરોના સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા પછી પણ તંત્ર બેદરકાર હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના સહાયના ફોર્મ જમા કરાવવામાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સાબરમતી મામલતદાર કચેરીએ ફોર્મ જમા કરાવવા આવેલા લોકો રઝળ્યા હતા. સાબરમતી મામલતદાર કચેરીમાંથી ફોર્મ લેવાની ના પાડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારે મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની માર્ગદર્શિકા આપી છે. ફોન કરીને જે લોકોને બોલાવવામાં આવ્યા તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા. 


સાબરમતી મામલતદાર  abp અસ્મિતાને જવાબ ના આપી શક્યા. અરજદારોએ મામલતદાર એ બી લાછુન સામે રોષ વ્યક્ત કર્યો હતો. abp અસ્મિતાના કેમેરા સામે જવાબ આપવાના બદલે મામલતદાર ઓફિસમાં જતા રહ્યા હતા. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,920 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,16,054 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશન 3, જામનગર 2, કચ્છ 2, નવસારી 2, વડોદરા 2, ભરુચ 1, ગીર સોમનાથ 1, પોરબંદર 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 315  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,16,920  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1655 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 13296 નાગરિકોને રસીનો પ્રથમ અને 126529 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38712 નાગરિકોને રસીનો પ્રથમ અને 335852 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,16,054 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,89,52,203 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા,  પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.