Ahmedabad Air India plane Crash: અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ ફ્લાઇટમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. રડાર ડેટા અનુસાર, વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ સમુદ્ર સપાટીથી 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

વિમાન ટેકઓફ કર્યાની થોડીવાર પછી જ ક્રેશ થયું અને પહેલા મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું, પછી અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું હતુ. આ કારણે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. ચારે બાજુ ધુમાડો અને કાટમાળ ફેલાયેલો હતો. વિમાન દુર્ઘટનાના મુખ્ય અપડેટ્સ વાંચો.

265 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો લાવવામાં આવ્યા છે. મૃતકોમાં હોસ્ટેલમાં રહેતા લોકો પણ છે.

ડીએનએ ટેસ્ટ બાદ જ મૃત્યુઆંક કહી શકાશે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. દેશ-વિદેશના કુલ 230 મુસાફરો, 12 ક્રૂ સભ્યો આ વિમાનમાં હતા. માહિતી મળી છે કે આ મુસાફરોમાંથી એક બચી ગયો છે. હું તેમને મળ્યો છું. ડીએનએ ટેસ્ટ અને ઓળખ પછી જ મૃત્યુઆંક સત્તાવાર રીતે કહી શકાય. ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. 1 હજારથી વધુ ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે અને તે બધા ગુજરાતમાં જ કરવામાં આવશે.

ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન

ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પુષ્ટી કરી હતી કે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. ભાજપ પરિવાર પણ ખૂબ દુઃખી છે.

જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને વિમાન દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ દુ:ખદ ઘટનાથી આપણે બધા દુઃખી છીએ. તેમણે જાહેરાત કરી કે ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે. ઉપરાંત કંપની તમામ ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવશે.

વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો, સારવાર ચાલુ છે

વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક મુસાફરના સમાચાર બહાર આવી રહ્યા છે. મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રમેશ વિશ્વાસે જણાવ્યું કે અકસ્માત પછી જોરદાર વિસ્ફોટ થયો, ચારે બાજુ આગ લાગી ગઈ. મને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું જીવિત છું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

મૃતકોની ઓળખ માટે ડીએનએ નમૂનાઓની વ્યવસ્થા

વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ સાથે ઘાયલોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.